ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ કરશે, આજથી 13 ઓક્ટોબર સુધીની ખતરનાક છે આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો મહીસાગર, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે.
નવરાત્રિના છેલ્લા નોરતે 11 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે 12 ઓક્ટોબરના રોજ પણ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ રહેશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ ના કારણે 4 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ક્યાંક વરસાદ રહી શકે છે. ખાસ કરીને વરસાદ સાંજના સમયે રહેવાની શક્યતા છે. તેથી નવરાત્રિ પર અસર પડશે. અત્યાર સુધી સીઝનમાં 75 ટકા સૌરાષ્ટ્ર કચ્છ સાથે ગુજરાતમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. આજે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આજે સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. પંચમહાલ ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ આવશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી છે. તો આહવા, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન બનવાના કારણે આગામી 14 થી 22 ઓક્ટોબર દરમ્યાન તોફાન થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 14થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે માવઠુ થવાની આગાહી છે. ગુજરાતની કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે માવઠુ થવાની આગાહી છે. નવેમ્બર સુધી રાજ્યમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરની સાથે શિયાળીની પણ શરૂઆત થઇ જશે.