હજુ એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, જાન્યુઆરીની આ તારીખ નોંધી લો
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. પરંતું ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવા અઠવાડિયાની શરુઆતથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. એટલે કે સોમવારથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.
દેશનું હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. જે જાન્યુઆરીમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસ અને "ઠંડા દિવસની સ્થિતિ" યથાવત રહેવાની શક્યતા છે.
છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.