ગાંધીનગરમાં 2 મકાનોમાં બ્લાસ્ટ બાદ ભયાવહ નજારો સર્જાયો, બૂલડોઝર ફેરવાયું હોય તેમ કાટમાળ પડ્યો છે

Tue, 22 Dec 2020-12:09 pm,

બંને મકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે હજી સુધી જાણી શકાયુ નથી. પરંતુ ઓએનજીસીની પાઈપલાઈનને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. જેથી ઓએનજીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી લોકોએ ઓેએનજીસીના અધિકારીઓની ગાડી પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને લોકો ઘેરી વળ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. વહેલી સવારે 7.30 વાગ્યે જ્યારે આ ઘટના બની ત્યારે ઘરના લોકો સૂઈ રહ્યા હતા. જમીનમાંથી થયેલા ભેદી બ્લાસ્ટને કારણે મોટો ધડકો થયો હતો, અને પત્તાના મહેલની જેમ બંને મકાનો તૂટી પડ્યા હતા. લગભગ 10 કિલોમીટરના દાયરામાં આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

આ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અવારનવાર અહીં ઓએનજીસીની પાઈપલાઈન ફાટતી હોય છે. ઓએનજીસીની લાઈન જ્યાંથી જતી હોય છે તેમાં બિલ્ડર દ્વારા મકાનો બાંધીને રહેણાંક વિસ્તાર ઉભો કરવામાં આવે છે. આવા અનેક ફ્લેટ ઓએનજીસીના પાઈપલાઈન પર ઉભા કરાયા છે. વારંવાર કલોલમાં આ પ્રકારની ઘટના બનતી રહે છે.

બ્લાસ્ટ થયા બાદનો નજારો અત્યંત ભયાવહ બની રહ્યો હતો. ચારેતરફ બંને મકાનોનો કાટમાળ જોવા મળ્યો હતો. જે જગ્યા પર ગઈકાલ સુધી બે મકાનો ઉભા હતા, ત્યાં ઈંટ-કપચીના ટુકડા પડયા હતા. બ્લાસ્ટને કારણે જે મકાનમાં લોકો રહેતા હતા, તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને તેઓને બહાર કાઢ્યા હતા. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. 

બ્લાસ્ટને કારણે ઘરવખરીનો તમામ સામાન ઘરની બહાર ફેંકાઈ ગયો હતો. પહેલા માળ પર બુલડોઝર ફેરવાયો હોય તે રીતે ધ્વસ્ત થઈ ગયો છે.  

ઓએનજીસીના અધિકારીઓની ગાડીને રોકવાનો પ્રયાસ કરાયો હતો, નાગરિકો તેમની ગાડી પર ફરી વળ્યા હતા, સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ અધિકારીઓ પર તૂટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોને પોલીસે બળ પ્રયોગથી દૂર કર્યા હતા. જોકે, સવારથી જ સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.   

બ્લાસ્ટને કારણે આસપાસના મકાનોમાં પણ અસર પડી હતી. કેટલાક મકાનોના કાચ તૂટ્યા છે, તો કેટલાકના ફર્નિચરને નુકસાન થયું છે. બ્લાસ્ટ બાદ પાડોશી પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. એક પાડોશીએ કહ્યું કે, મારા ઘરમાં દરવાજા, ફર્નિચર, ગ્રીલ ડેમેજ થઈ છે. અમારા માટે આ દ્રશ્ય અકાલ્પનિક બની રહ્યું. આવો બ્લાસ્ટ અમે પહેલીવાર જોયો. 

બ્લાસ્ટથી આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. તો સાથે જ મકાન ધરાશાયી થયા બાદ આગ લાગ્યાની ઘટના પણ બની હતી. જેથી સ્થાનિકો વધુ ડરી ગયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link