જન્માષ્ટમીએ દ્વારકામાં ભક્તોને જોવી મળી અલૌકિક ઘટના! ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં આજે ઉજવણી ચાલી રહી છે. લાખોની સંખ્યામાં આવતીકાલે ભક્તો અહીં વ્હાલાના દર્શન માટે આવી પહોંચ્યા છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો 5251 મો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
આજે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવ્યું. વર્ષમાં માત્ર બે વખત ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશને સ્નાન કરાવવામાં આવે છે. વહેલી સવારે નિત્યક્રમ મુજબ જગતમંદિર ભગવાન કૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું. ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના ખુલ્લા પડદે સ્નાનનો લાભ લઇ ધન્યતા અનુભવી.
આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો અહી આવી પહોંચ્યા છે.
યાત્રાધામ દ્વારકામાં આજે જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. વહેલી સવારથી જ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કરીને ધન્ય બની રહ્યાં છે. કાન્હાના વધામણાંને લઈને ભક્તો માટે રાત્રે અઢી વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. ત્યારે આજે દ્વારકામાં જન્મોત્સવને લઈ ખાસ દ્રશ્ય જોવા મળ્યું. જગતગુરૂ શંકરાચાર્યએ ભગવાન દ્વારકાધીશને અભિષેક કર્યો હતો. આજે જન્માષ્ટમી હોઈ ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવ્યું. જગતગુરુ શંકરાચાર્યએ ઠાકોરજીને આ સ્નાન કરાવ્યું હતું. જેને નિહાળીને ભાવિક ભક્તો ધન્ય થયા હતા.
તા.26-8-2024 ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ શ્રીજીની મંગલા આરતી દર્શન 6 કલાકે, મંગલા દર્શન 6 થી 08 કલાકે, શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકેથી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકે થી 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે, શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે.