ભક્તોની આંખો આંજી દે એવા વડતાલના દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી બનેલા વાઘા! આ રીતે વાઘા તૈયાર

Wed, 13 Nov 2024-3:18 pm,

આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 kgથી વધુ પ્યોર સોનાનાં કાપડમાંથી બનેલાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધા-કૃષ્ણ અને વાસુદેવજીને વાઘા અર્પણ કર્યા છે. 

આ વાઘા વિશે માહિતી આપતાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ ભગવાને તેમના સ્વહસ્તે જે મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જ્યાં પોતે પ્રતિષ્ઠા વિધિ કરી હતી અને પોતાનું સ્વરૂપ પણ પધરાવ્યું હતું. જ્યાં તેમણે શિક્ષાપત્રી લખી હતી.   

એ વડતાલના મંદિરમાં વિરાજતા શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધાકૃષ્ણ દેવ અને વાસુદેવ દાદાના સુવર્ણના તારમાંથી બનેલા વાઘા તૈયાર થયા છે. ભૌતિક રીતે એ સુવર્ણના વાઘા છે પણ વડતાલ મંદિરમાં વિરાજતા દેવો પ્રત્યે આસ્થા ધરાવતા લોકો માટે તે ભાવ ભર્યા વાઘા છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાઘા અમે લગભગ 18 મહિના પહેલા બનાવવાનો સંકલ્પ કર્યો હતો. વડીલ સંતો દ્વારા આ વાઘાની ડિઝાઈન ફાઈનલ કરવામાં આવી હતી. વાઘા બનાવવાનું કામ 18 મહિના સુધી ચાલ્યું હતું. અમને ગૌરવ એ વાતનો છે કે આ વાઘા ભગવાન ધારણ કરે ત્યારે રિયલ કાપડ એવું જ ફીલિંગ આવે એવું સરસ કામ અમારા વાઘા કરનારા કારીગરોએ કર્યું છે. 

આ વાઘા વિક્રમ સંવત 2081ની કારતક સુદ બારસના રોજ પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય જન્માષ્ટમી, રામ નવમી, નુતન વર્ષ અને સમૈયાના વિશેષ દિવસોમાં ભગવાનને આ વાઘા પહેરાવવામાં આવશે.

આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે છે. સૌ પહેલા સોનાને ગાળી તેમાંથી તાર બનાવવામાં આવે છે. જેને ચાકડા પર ખાટલાની પાર્ટી ભરીએ એ રીતે તાર હાથથી ભરવામાં આવે છે. ચાકડાં ભરાયા પછી સોનાના તારથી બોર્ડર બનાવવામાં આવે છે જેને નેટ પણ કહી શકાય. 

તૈયાર થયેલા કાપડ પર સ્ટીચ કરી કારીગરો દ્વારા સોનાના કાપડ પર ડિઝાઇન કરવામાં આવે છે અને રિયલ ડાયમંડ અને સ્ટોન લગાડવામાં આવે છે. આમ કુલ 5 લેયરમાં વાઘા તૈયાર થાય છે. આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થતો નથી. વાઘા બની જાય ત્યારે એની પાછળ પીળા કલરનું કાપડ લગાડવામાં આવે છે. આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે.

મહત્ત્વનું છે કે, આ વાઘાનું કામ છેલ્લા 18 મહિનાથી ચાલતું હતું. જેમાં 130 કારીગરો દિવસના 12-12 કલાક કામ કરતા હતા. આ વાઘામાં પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઘામાં કમળ, મોર અને હાથીની ડિઝાઇન છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link