લોકડાઉનમાં ફી માંગીને શરમ નેવે મૂકતી ખાનગી શાળાઓ કંઈક શીખે આ સરકારી શાળા પાસેથી....

Sat, 05 Sep 2020-11:07 am,

લક્ઝુરિયસ શાળાઓએ શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે. આવા ઉદ્યોગકારો માટે પાદરાના એક નાનકડા ગામની શાળાએ શીખવા જેવું છે. પ્રાઇવેટ શાળાઓએ જ્યારે શાળા ફીને લઈ શિક્ષણ બંધ કરી દીધું હતું, જેને લઇ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી હતી. ત્યારે પાદરાની એક સરકારી શાળા ગરીબ વિદ્યાર્થીઓના મદદે આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે પાદરા તાલુકાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આખા વર્ષનું શિક્ષણ બાળકોને ઘરે બેઠા આપ્યું છે. 

પરિવારનો સભ્ય જ્યારે પોતાના પરિવાર માટે મજૂરી કરી માંડ પરિવારનું ભરણપોષણ કરતો હોય, ત્યારે મોબાઈલ કે ટીવી કેવી રીતે ખરીદી શકે. તો બીજી તરફ પોતાના ઘરમાં વીજળીનું કનેક્શન પણ ન હોઈ તો ડિજિટલ અભ્યાસ કેવી રીતે મેળવી શકે. આવી અનેક સમસ્યાઓ સામે ગરીબ વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યા હતા. આ બાળકોની ચિંતા ધોરીવગા શાળાના શિક્ષકોએ કરી હતી. શિક્ષકોએ લોકડાઉન દરમિયાન તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને શિક્ષણ આપ્યું. અત્યાર સુધીનો અભ્યાસ ક્રમ માત્ર ધોરી વગાની શાળાએ પૂર્ણ કર્યો છે. વાલીઓ પણ આ અભિગમને બિરદાવી રહ્યા છે. 

પાદરા તાલુકાના નરસિંહ પુરા ગામે આવેલી ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકો ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓના ઘરે જ પ્રોજેક્ટર સહિતના ડિજિટલ માધ્યમનો લઈને પહોંચી જાય છે. આ વિશે શાળાના આચાર્ય દિલીપસિંહ પઢીયાર કહે છે કે, તમામ બાળકોને કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે શિક્ષણ આપવામાં આવ્યું છે.  

શાળામાં અલગ અંદાજને લઇ રાજ્ય સહિત જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ધોરી વગા પ્રાથમિક શાળા રહે છે. શૈક્ષણિક પ્રવૃતિઓને લઈ શાળામાં પ્રાઇવેટ સ્કૂલોના બાળકો પણ અભ્યાસ કરવા માટે એડમિશનની લાઈન લગાવે છે. ધોરી વગા પ્રાથમિક શાળાના કોરોના મહામારીના આ અભિગમ અને કાર્યને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવ્યું છે. 

શાળાની ધોરણ 8 માં અભ્યાસ કરતી જાનું પરમાર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી હતી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કડકડાટ અંગ્રેજીમાં વાત કરતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વીડીયોમાં પણ નજરે પડે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link