પાકિસ્તાનનો આ માછીમાર રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો દરિયામાંથી એવું તે શું મળ્યું?
પાકિસ્તાનના કરાચીમાં ગરીબ ઈબ્રાહિમ હૈદરી ગામમાં રહેતા હાજી બલૂચ હવે કરોડપતિ બની ગયા છે. તેમનું આ ભાગ્ય એક ખાસ પ્રકારની માછલીના કારણે પલટાયું છે. અચાનક કરોડપતિ બન્યા બાદ બધા લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે તેમના સંબંધીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
હાજી બલૂચે કહ્યું કે સોમવારે કરાચીના ખુલ્લા દરિયામાં તેઓ માછલી પકડી રહ્યા હતા ત્યારે તેમને સોનેરી માછલીનો મોટો ખજાનો મળ્યો. તેમણે કહ્યું કે આ બધું તેમના માટે કલ્પનાબહારનું હતું.
હાજી બલૂચના જણાવ્યાં મુજબ ગોલ્ડન ફિશ કે સોવા નામથી ઓળખાતી આ ફિશ તેમણે પકડી હતી. આ માછલી અનેક ઔષધીય ગુણોથી ભરપૂર દુર્લભ માછલી ગણાય છે. પૂર્વી એશિયાઈ દેશોમાં તેની ખુબ માંગણી છે. અહીં લોકો તેને મો માંગ્યા પૈસા આપે છે.
હાજી બલૂચના જણાવ્યાં મુજબ સોવા માછલીનું વજન મોટાભાગે 20થી 40 કિલો વચ્ચે હોય છે. તેની લંબાઈ 1.5 મીટર સુધી વધી શકે છે. તેનો ઉપયોગ પરંપરાગત દવાઓ અને સ્થાનિક વ્યંજનોમાં થાય છે.
સોવા માછલીને અનમોલ કે દુર્લભ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ માછલીના પેટમાંથી નીકળતા પદાર્થોમાં મહાન ઉપચાર અને ઔષધીય ગુણ સામેલ હોય છે. માછલીથી પ્રાપ્ત દોરા જેવા પદાર્થનો ઉપયોગ સર્જરીમાં પણ થાય છે.
પાકિસ્તાન ફિશરમેન ફોક ફોરમના મુબારક ખાનના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે કરાચી બંદરે જ્યારે સોવા માછલીઓની હરાજી કરાઈ તો તેઓ લગભગ 70 મિલિયન રૂપિયામાં વેચાઈ. હાજી બલૂચે કહ્યું કે હરાજીથી મળેલા આ રૂપિયાને તેઓ તેમના ગ્રુપના બધા 7 લોકોમાં વહેચી નાખશે.