પાણીને કોઈ સરહદ ન રોકે... પાકિસ્તાનના પ્રલયકારી પૂરના પાણી કચ્છમાં ઘૂસ્યા, સરહદ પર ચારેતરફ પાણી
કચ્છમાં પાણી આવતા જળસ્તર સતત વધી રહ્યું છે. કચ્છના સરહદી ગામડાઓમાં પાણી ઘૂસી આવ્યા છે. જોકે, પાણીને કારણે લોકોએ સ્થળાંતર કરવાનું પણ શરૂ કર્યું છે. આગામી બે દિવસમાં આ ખારા પાણી ભીટારા, ગારવાંઢ, ઉધમા સહિતનાં ગામોમાં ઘૂસી જાય એવી શક્યતા છે. પૂરના પાણીને કારણે લુણા, બુરકલ, ભીટારાના 125 જેટલા પરિવારોએ ઉઠંગડી ટેકરા તેમજ વજીરાવાંઢ ટેકરા પર 80 જેટલા પરિવારોએ આશ્ર્ય લીધો છે.
પાકિસ્તાનની હાલત પૂરથી બેહાલ છે. પાકિસ્તાનમાં પ્રલયકારી પૂરથી હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકામાં પહેલીવાર આ વર્ષે સૌથી વધુ વરસાદ આવવાના કારણે અને હીમશિલા પીઘળવાને કારણે દેશનો ત્રીજો ભાગ લગભગ જળમગ્ન થઈ ગયો છે.
પૂરની સૌથી વધુ અસર સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંત પર પડી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે પાકિસ્તાનને અડીને આવેલ ગુજરાતની બોર્ડર કચ્છમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે.