લગ્ને લગ્ને કુંવારી હોલિવૂડ અભિનેત્રી Pamela Anderson પાંચમા પતિથી લેવા જઈ રહી છે છૂટાછેડા, જાણો પતિઓ સાથેની કહાની
અમેરિકન અભિનેત્રી પામેલા એન્ડરસને પોતાના પાંચમા પતિ Dan Hayhurstથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. પામેલાએ ડેન સાથે છૂટાછેડાની અરજી કોર્ટમાં કરી દીધી છે.
આ લગ્ન માત્ર 13 મહિના જ ટક્યા હતા. 54 વર્ષની પામેલા એન્ડરસને ડિસેમ્બર 2020માં પોતાના બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા હતા.
જોકે આ પહેલીવાર નથી, પામેલાએ ઓછા સમયમાં પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા હોય. પામેલા અત્યાર સુધી પાંચ વખત લગ્ન કરી ચૂકી છે અને તેના કોઈપણ લગ્ન સફળ થયા નથી
ગયા વર્ષે પામેલાએ ડેન સાથે લગ્ન કર્યા ત્યારે કહ્યું હતું કે ડેન જ તે વ્યક્તિ છે, જેની સાથે તે રહેવા માગે છે. પરંતુ હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.
વર્ષ 1995માં ડ્રમર ટોમી લીને ઓળખ્યા પછી માત્ર 4 દિવસમાં જ પામેલા એન્ડરસને તેની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નને પામેલાએ બીચ પર બિકિની પહેરીને કર્યા હતા. ટોમી અને પામેલાને આ લગ્નથી બે પુત્ર થયા. ટોમી પર પામેલાની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો હતો. પામેલાની સાથે મારપીટના કારણે તેણે 6 મહિના સુધી જેલની સજા પણ ભોગવી હતી. વર્ષ 1998માં આ લગ્ન ખતમ થઈ ગયા.
ટોમી લી સાથે છૂટાછેડા પછી પામેલાએ મોડલ Marcus Schenkenberg સાથે સગાઈ કરી હતી. આ સગાઈ 2001માં તૂટી ગઈ હતી. તેના પછી પામેલાએ કિડ રોક સાથે સગાઈ કરી. પછી 2003માં બંનેનું બ્રેક અપ થઈ ગયું. 2006માં પામેલાએ જાહેરાત કરી તે કિડ રોક સાથે લગ્ન કરી રહી છે. 29 જુલાઈ 2006માં એક યોટ પર પામેલા અને કિડ રોકે લગ્ન કરી લીધા હતા. પરંતુ માત્ર 17 દિવસમાં જ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.
સપ્ટેમ્બર 2007માં પામેલા એન્ડરસને એક ટોક શોમાં જણાવ્યું કે તેણે સગાઈ કરી લીધી છે. ઓક્ટોબર 2007માં તેણે પ્રોડ્યુસર રિક સોલોમન સાથે લગ્ન કરી લીધા. ડિસેમ્બરમાં બંને અલગ થયા અને ફેબ્રુઆરીમાં પામેલાએ આ લગ્નને રદ કરવાની અરજી કરી હતી. તેણે આ લગ્નને ફ્રોડ ગણાવ્યા હતા.
2017થી લઈને 2019 સુધી પામેલા એન્ડરસને ફ્રેન્ચ ફૂટબોલર આદિલ રામીને ડેટ કર્યો હતો. જાન્યુઆરી 2020માં તેણે પ્રોડ્યુસર જોન પીટર્સ સાથે લગ્ન કરી લીધા. બંનેની વચ્ચે 22 વર્ષનો ફરક હતો. એક મહિના પછી પામેલા અને જોન અલગ થઈ ગયા. પામેલાએ કહ્યું કે તેણે ક્યારેય કાયદાકીય રીતે જોન સાથે લગ્ન કર્યા ન હતા.
જોન પીટર્સ અને પામેલા એન્ડરસનની મુલાકાત 80ના દાયકામાં થઈ હતી. જ્યારે પામેલા માત્ર 19 વર્ષની હતી. 2017માં આપેલા ઈન્ટરવ્યૂમાં જોને જણાવ્યું હતું કે તેણે પામેલાને ત્યારે લગ્ન માટે પૂછ્યું હતું. પણ તે સમયે પામેલાએ ઈનકાર કરી દીધો હતો. ડિસેમ્બર 2020માં પામેલાએ પોતાના બોડીગાર્ડ ડેન સાથે લગ્ન કર્યા. જોકે 2022ની શરૂઆતમાં જ બંને અલગ થઈ રહ્યા છે. પામેલા એન્ડરસન બેવોચ ગર્લ તરીકે જાણીતી છે. અને તે બિગ બોસ સિઝન-4નો ભાગ પણ રહી ચૂકી છે.