ખરખરીનો જંગ તો પંચમહાલમાં છે, પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ જ વિરોધી પાર્ટીમાં
પંચમહાલની કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, તો કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી કરી. પરંતુ અહીં રાજકારણના રંગ જ બદલાયા છે. પ્રભાતસિંહે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી તો સામે પુત્રવધુ અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે આવ્યા છે. પ્રભાતસિંહના પુત્રવધુ અને ગત ટર્મના ભાજપના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ રહેશે. ભાજપના પડખે રહેવાનો નિર્ણય કરનાર પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધુ સુમનબેન ચૌહાણે આ વિશે કહ્યું કે, પ્રભાતસિંહ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરે તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતું અમે ભાજપ સાથે જ છીએ, અમે ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.
પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરી ચૌહાણે પણ કહ્યું કે, પ્રભાતસિંહનો નિર્ણય એમનો પોતાનો છે, હું ભાજપ પાર્ટી સાથે જ છું અને રહેવાની છું. તો પારિવારિક જંગ વિશએ પ્રભાતસિંહે કહ્યું કે, મારી દીકરાની પત્ની વિધવા છે એમની મરજી છે, જ્યાં જાય ત્યાં, રંગેશ્વરીબેન મારી નોટેડ કરેલી પત્ની નથી આ તમને આજે ચોખ્ખું કહું. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે એમાં શું? લોકશાહીમાં જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે.
આમ, ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે, ઉમેદવારના પરિવારજનો સામા ઉમેદવારને જીતાડવા મદદ કરી રહ્યાં છે. ત્યારે આ રાજનીતિમાં આગળ કેવા કેવા રંગ જોવા મળશે તે તો સમય આવ્યે જોવા મળશે.