Vinesh Phogat Photos: મનમાં ભરાયેલું દર્દ આંસુ સાથે બહાર આવ્યું, ભારત પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી વિનેશ ફોગાટ
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ માટે એક ખરાબ સ્વપ્ન સમાન બની ગયો. ડેલીએ હાથ દઈને પાછા ફરવા જેવી વાત તેની સાથે ઘટી. ફાઈનલમાં પહોંચી છતાં 100 ગ્રામ વજન વધુ આવતા ડિસ્ક્વોલિફાય થઈ અને મેડલથી વંચિત રહેવું પડ્યું. આ દર્દ કેટલું અસહ્ય હોઈ શકે તે આજે વિનેશને જેણે પણ જોઈ ત્યારબાદ અનુભવ્યું હશે. વિનેશ આજે ભારત પાછી ફરી અને દિલ્હી એરપોર્ટ પર જે રીતે ધીરજનો બંધ તૂટતા આંસુઓનું પૂર આવ્યું તે જોઈને દરેકની આંખના ખૂણા ભીના થઈ ગયા.
વિનેશ આજે પેરિસથી પાછી ફરી અને દિલ્હી એરપોર્ટ પર ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોવા મળી. તેને લેવા માટે પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ આવ્યા હતા જે તેને હિંમત આપતા જોવા મળ્યા. સાક્ષીની આંખોમાં પણ દર્દ સ્પષ્ટ દેખાતું હતું.
વિનેશ ફોગાટે ઓલિમ્પિક્સ 2024માં ફિલ્મી અંદાજમાં ગેમ રમી હતી. તેણે ક્વોટરફાઈનલ અને સેમી ફાઈનલ મેચમાં જીત મેળવીને બધાના મન જીતી લીધા હતા. પરંતુ ગોલ્ડ મેચ પહેલા જ વિનેશનું 100 ગ્રામ જેટલું વજન વધુ આવતા તેને મેચમાંથી બહાર કરી દેવાઈ.
બધી મહેનત પર એક ઝટકે પાણી ફરી વળ્યું અને વિનેશ તૂટી ગઈ. તેણે ગણતરીના કલાકોમાં કુશ્તીને અલવિદા કરી દીધુ. એરપોર્ટ પર પોતાના સાથીઓ સાથે તે રડતી જોવા મળી.
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા પણ વિનેશને સાંત્વના આપતા જોવા મળ્યા. વિનેશે ભાવુક અંદાજમાં કુશ્તીમાંથી રિટાયરમેન્ટ લીધુ હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નિવૃત્તિ જાહેર કરી હતી.
વિનેશે લખ્યું હતું કે મા કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો તમારા સપના મારી હિંમત બધુ તૂટી ચૂક્યું છે. હવે આનાથી વધુ તાકાત મારામાં નથી રહી. અલવિદા કુશ્તી 2001-2024. તમારા બધાની હંમેશા આભારી રહીશ.
વિનેશના કોચે એ રાતની કહાની જણાવી જ્યારે વિનેશ પોતાનું 2 કિલો વજન ઓછું કરવા માટે આખી રાત જદ્દોજહેમત કરી રહી હતી. તેમણે જણાવ્યું કે કોઈ વિકલ્પ બચ્યો નહતો અને અડધી રાતથી સવારે 5.30 વાગ્યા સુધી તેણે અલગ અલગ કાર્ડિયો મશીનો અને કુશ્તી ચાલો પર કામ કર્યું. એકવારમાં લગભગ ત્રણ ચતુર્થાંશ કલાક, બે ત્રણ મિનિટાના આરામ સાથે તેણે ફરીથી કામ શરૂ કર્યું. તે પડી ગઈ પરંતુ કોઈને કોઈ રીતે અમે તેને ઉઠાડી અને તેણે એક કલાક સોના બાથમાં વીતાવ્યો. હું જાણી જોઈને ડ્રામેટિક ડિટેલ્સ લખતો નથી, પરંતુ મને ફક્ત એ વિચારવું યાદ છે કે તે મરી શકતી હતી.