Parle G: 30 વર્ષમાં ફક્ત ₹1 વધ્યો ભાવ છતાં બંપર નફો, દરજીએ ઉભી કરી દીધી ₹17000 કરોડની કંપની
વર્ષ 1900માં એક 12 વર્ષનો છોકરો ગુજરાતના વલસાડથી મુંબઈ જવા નીકળ્યો. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે દરજીની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું અને પછી સીવણ અને ભરતકામનું કામ શરૂ કર્યું. 6 વર્ષ પછી એટલે કે 18 વર્ષની ઉંમરે છોકરાએ મુંબઈના ગામદેવી વિસ્તારમાં પોતાની દુકાન શરૂ કરી. કામ બરાબર ચાલ્યું. તેણે થોડા વર્ષોમાં પોતાની કંપની ડી મોહનલાલ એન્ડ કંપની બનાવી. તે છોકરાનું નામ મોહનલાલ દયાલ ચૌહાણ હતું, જેણે પાછળથી પારલે જી શરૂ કર્યું.
વર્ષ 1947 સુધી પાર્લે માત્ર બ્રિટિશ લોકો માટે બિસ્કિટ બનાવતી હતી. સ્વદેશી આંદોલનથી પ્રેરિત દીનદયાળ ચૌહાણે પાર્લે ગ્લૂકો બિસ્કિટને આઝાદી બાદ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવ્યા હતા. આ સમયે સમાજમાં તેવી ઇમ્પ્રેશન હતી કે બિસ્કિટ મોટા લોકો ખાય છે. ત્યારબાદ પારલેનું બ્લૂકો બિસ્કિટ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ દેશમાં આ બિસ્કિટ છવાય ગયા હતા.
મુંબઈના વિલે પાર્લેમાં પ્રથમ ફેક્ટરી લગાવવાને કારણે આ કંપનીનું નામ પારલે રાખવામાં આવ્યું. ત્યારબાદ પારલે ગ્લૂકોની નકલ કરતા ઘણી કંપનીઓએ ગ્લૂકો બિસ્કિટ લોન્ચ કર્યા હતા. ત્યારબાદ લોકોની વચ્ચે પોતાની પ્રોડક્ટ અલગ રહે તે માટે વર્ષ 1985માં તેનું નામ પારલે-જી કરી દેવામાં આવ્યું હતું.
મોહનલાલ દયાળને પાંચ પુત્રો હતા, જેની વચ્ચે કારોબારનું વિભાજન થયું હતું. પારલેનો બિઝનેસ ત્રણ ભાગમાં વિભાજીત થયો. તેમાં જયંતીલાલ ચૌહાણ અલગ થયા. તેમની કંપની પારલે એગ્રોના નામથી ફ્રૂટી, બૈલી અને એપી ફિઝ નામની પ્રોડક્ટ વેચે છે. ત્યારબાદ રમેશ ચૌહાણ પારલે ગ્રુપથી અલગ થયા જે આજે પારલે બિસલેરી બનાવે છે. ત્યારબાદ બાકીના ત્રણ ભાઈઓએ પારલે જી કંપની શરૂ કરી જે બિસ્કિટ, કેન્ડી અને અન્ય પ્રોડક્ટ બનાવે છે.
પારલેએ સૌથી પહેલા પોતાની પ્રોડક્ટનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું હતું. પારલે ગ્લૂકો બાદ પારલેએ ભારતનું પ્રથમ નમકીન બિસ્કિટ લોન્ચ કર્યું જેનું નામ મોનેકો હતું. ત્યારબીદ નમકી અને સ્વીટ મળીને ક્રેકજેક બિસ્કિટ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ 20-20 બિસ્કિટ લોન્ચ થયા હતા. આજે લોકપ્રિય બિસ્કિટ હાઈડ એન્ડ સીક પણ પારલે ગ્રુપની પ્રોડક્ટ છે. આ સિવાય પણ પારલે અન્ય બિસ્કિટ બનાવે છે.
વર્ષ 1963માં પારલેએ કિસ્મી બાર લોન્ચ કરી. પછી 1966માં પોપિન્સ અને વર્ષ 1983માં મેલોડી રજૂ કરી હતી. વર્ષ 1986માં પારલે મેંગો બાઈટ લઈને માર્કેટમાં આવ્યું હતું. કન્ફેક્શનરી અને બિસ્કિટ બાદ પારલેએ એફએમસીજી પ્રોડક્ટમાં એન્ટ્રી કરી હતી. પારલેએ લોટ, નમકીન, દાળ અને ચોકોઝ જેવી પ્રોડક્ટ પણ વેચી રહી છે. વર્ષ 2013માં પારલે 5000 કરોડની બ્રાન્ડ બની હતી.
કિંમત ન વધારવા પાછળનું ગણિત સમજાવતા સ્વિગીના ડિઝાઈન ડાયરેક્ટર સપ્તર્ષિ પ્રકાશે કહ્યું કે કિંમત વધારવાને બદલે કંપનીએ પેકેજનું વજન ઘટાડવાનું શરૂ કર્યું. પારલે જી પેક જે પહેલા 100 ગ્રામનું હતું, તેને કંપનીએ ઘટાડીને 92 ગ્રામ કરી દીધું છે. પછી તે ઘટાડીને 88 ગ્રામ કરવામાં આવ્યું હતું અને હવે તે ઘટીને 50 ગ્રામ થઈ ગયું છે. 1994 થી, કંપનીએ પેકના વજનમાં 45 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીના નફા માટે કિંમતો વધારવાને બદલે વજન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક દરજી દ્વારા સ્થપાયેલી આ કંપની આજે વિશ્વની સૌથી મોટી વેચાણ કરતી કંપની બની ગઈ છે. કંપનીની કિંમત 17223 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ફોર્બ્સ 2022ના ડેટા અનુસાર, વિજય ચૌહાણ અને તેમના પરિવારની કુલ સંપત્તિ 5.5 બિલિયન યુએસ ડોલર એટલે કે 45,579 કરોડ રૂપિયા છે.