મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દિવાળીએ શણગારાયું, ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ

Sat, 11 Nov 2023-1:00 pm,

મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો શ્રી ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે હાલ દિવાળી પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિર અને સમગ્ર પરિસરને અવનવી લાઈટોથી શણગારી દેવામાં આવ્યું છે.   

દિવાળીના પર્વને લઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500 થી વધુ સ્વયંસેવકો અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો સ્ટાફ સેવા બજાવશે. 

વિશાળ 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.

દિવાળી પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતાં હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. 

શ્રી ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર સવારે 5.30 કલાકે ખોલવામાં આવે છે. સવારે 6.00 કલાકે આરતી ઉતારવામાં આવે છે. ત્યાર બાદ બપોરે અને સાંજે થાળ ધરવામાં આવે છે. સાંજે 6.30 કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે. માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહે છે. સાંજે 9.00 કલાકે માતાજીના દર્શન બંધ થાય છે અને મંદિર કેમ્પસ 9.30 કલાકે બંધ થાય છે. 

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે દિવાળી અને નૂતન વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી છે અને દર્શનાર્થીઓ મા ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે તેવી અપીલ કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link