જો તમે પાટીદાર છો તો આ ખાસ જાણી લેજો, સિદસર ઉમિયાધામમાં સમાજ માટે લેવાયા મોટા નિર્ણયો
જામનગરનું ઉમિયા સિદસરધામ રવિવારે ત્રણ મોટા કાર્યક્રમોનું સાક્ષી બન્યું. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાના પ્રાગટ્યને સવાસો વર્ષ પૂરા થતા અહીં ત્રણ દિવસના બિલ્વપત્ર સમારોહનો આરંભ કરાયો છે. આ કાર્યક્રમ ધાર્મિક ઉપરાંત સામાજિક પણ બની રહ્યો. કેમ કે કાર્યક્રમમાં પાટીદાર સમાજે એક વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે, સાથે જ સમાજમાં સુધારા માટે કેટલાક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માટે જામનગર સહિત રાજ્યના 125 સ્થળેથી કાર રેલી સિદસર માટે રવાના થઈ હતી. દરેક રેલીમાં 51 કાર સામેલ હતી. એટલે કે 125 કાર રેલીમાં છ હજારથી વધુ કાર સીદસર પહોંચી હતી. જેની ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ સમાજના અગ્રણીઓને સોંપવામાં આવ્યું હતું.
સિદસર ઉમિયાધામમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યાં કાર્યક્રમમાં સમાજમાં સુધારા માટે કેટલાક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા છે. મુખ્ય ઠરાવમાં સમાજમાં લગ્ન વિચ્છેદનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસ કરવા, છૂટાછેડાના કિસ્સામાં દિકરીના પરિવાર તરફથી મોટી રકમની માંગણીને અટકાવવાનો, છૂટાછેડાના પ્રશ્નનો ઉકેલ સામાજિક ધોરણે લાવવાનો, કૌટુંબિક ઝઘડાનો ઉકેલ સામાજિક ધોરણે લાવવા અને મિલકતના વિવાદનો ઉકેલ સમજૂતી અને સમાધાનથી લાવવાનો સમાવેશ થાય છે.
સિદસર ઉમિયાધામના ચેરમેન મૌલેષ ઉકાણીએ જણાવ્યું કે, કાર્યક્રમમાં બીજા કેટલાક ઠરાવ પણ કરવામાં આવ્યા, જેમનો હેતુ યુવાનોને ખોટા માર્ગે જતાં અટકાવવાનો છે. આ ઠરાવમાં યુવાનોને જુગાર, સટ્ટા, વાયદાના સટ્ટા અને ઊંચા વ્યાજે નાણાં લેવાથી દૂર રહેવા, દેખાદેખીમાં બિન જરૂરી ખર્ચા ન કરવા તેમજ દારૂ અને તમ્બાકુ સહિતના નશીલા પદાર્થોથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ આ ઠરાવોને સહમતિ આપી હતી. મુખ્યમંત્રીએ પાટીદાર સમાજની આ પહેલને આવકારી હતી, સાથે જ ઉમિયાધામ સિદસરને સરકાર તરફથી જરૂરી મદદની ખાતરી પણ આપી.
થોડા સમય પહેલાં જ ઉત્તર ગુજરાતમાં પણ પાટીદાર સમાજે સામાજિક કુરિવાજોને દૂર કરવા ઠરાવ પસાર કર્યા હતા. લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં અનુસરવામાં કુરિવાજોને બંધ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારની પહેલ કરાઈ છે. જે સરાહનીય પણ છે અને સમયની માગ પણ છે.
ઉમિયા સિદસરધામમાં ત્રણ દિવસનો બિલ્વપત્ર સમારોહ શરૂ ઉમિયા માતાના પ્રાગટ્યને સવાસો વર્ષ પૂરા થતાં આયોજન પાટીદારોએ સમાજ સુધારા માટે 4 મોટાં ઠરાવ કર્યા 125 સ્થળથી નીકળેલી કાર રેલીએ સર્જયો વર્લ્ડ રેકોર્ડ સંસ્થાને જરૂરી સરકારી મદદની મુખ્યમંત્રીની ખાતરી