પાટીદારોએ જયેશ રાદડિયાને કર્યા સણસણતા સવાલો, સોશિયલ મીડિયા શરૂ થયું નવું યુદ્ધ
)
જયેશ રાદડિયાના ટપોરી અંગેના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયાએ જયેશ રાદડિયાને સોશ્યલ મીડિયા પર ટકોર કરી છે. તો જયેશ રાદડિયાને અનેક સવાલો પૂછતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ છે. લોકોએ રાદડિયાને પૂછ્યું કે, સ્ટેજ મળે ત્યારે શૂરાઓ થઈ જતા લોકો અમરેલી દીકરી માટે એકદા હાકલો પડકારો કરવો જોઈતો હતો. જયારે પક્ષ સામે સમાજ માટે બોલવાનું હોય ત્યારે પાટીદાર નેતા ક્યાં હતા? ખેડૂત મસીહાને એવો પણ સવાલ પૂછાયો કે, જામકંડોરણાના 6500 ખેડૂત જમીન ખોટી માપણી ભોગ બન્યા આજે પણ પરેશાન છે.
)
મહત્વનું છે કે, રાદડિયાએ સમાજના લોકો વચ્ચે કરેલા સંબોધનમાં ટપોરી ટોળકીની વાત કરી અને એવો આક્ષેપ લગાવ્યો કે હું સમાજનું સારુ કામ કરુ છું તો સમાજના કેટલાક ટપોરી ગેંગના સભ્યો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કેટલાક લોકો રાજનીતિમાં નથી પરંતુ રાજનીતિ જોરદાર કરે છે, મને પાડી દેવા માટે ચોકઠા ગોઠવે છે. તેમણે સમાજની અંદર રાજનીતિ કરતાં વિરોધીઓને પડકાર ફેંક્યો કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.
)
જયેશ રાદડિયાના આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ પ્રહાર કરી કોના પર રહ્યા હતા? જાતભાતના નામ આવી રહ્યા છે તેમાં એક નામ નરેશ પટેલનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ રાદડિયાએ પોતાના સંબોધનમાં આ નામ ક્યાંય લીધુ નથી. તેમણે એક પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે. પરંતુ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર વિખવાદ ચાલતો હોવાની વાતો સામે આવતી રહે છે. તેથી કેટલાક લોકોનું માનવું છે કે રાદડિયાએ જે પ્રહાર કર્યા તે નરેશ પટેલ પર હતા. નરેશ પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના મોટા નેતા છે. તો રાદડિયાના પ્રહાર પછી તેમની સમર્થનમાં અનેક પાટીદાર નેતાઓ આવ્યા છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે અમે જયેશભાઈની સાથે છીએ, સરદારધામના જયંતિ સરધારાએ પણ કહ્યું કે, અમે રાદડિયાના સમર્થનમાં છીએ.
જયેશ રાદડિયાના નિવેદન બાદ અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે. અનેક પાટીદાર નેતાઓએ રાદડિયાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે.
2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે રવિ આંબલીયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા તે સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો પુત્ર શિવરાજ રવિ આંબલીયાના ખુલ્લા સમર્થમના આવ્યો હતો. ખોડલધામ મંદિર નિર્માણ વખતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનો મોટો ફાળો રહ્યો હતો જોકે ત્યાર પછી ખોડલધામમાં વિઠ્ઠલ રાદડિયાનું વર્ચસ્વ ન રહેવા દેવામાં આવ્યું. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે નરેશ પટેલ ખુલીને વિરોધમાં આવ્યા અને ખોડલધામના ટ્રસ્ટીને ટીકીટ આપી ચૂંટણી લડાવી હતી. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો.