પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે શ્રદ્ધાળુઓ
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ કહેવાય છે. માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં પુત્રી પાર્વતીના પતિ એટલે કે મહાદેવજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે તેમને આ આપમાન સહન ન થતા પાર્વતીએ યજ્ઞ કુંડમાં કૂદીને પોતાની આહુતિ આપી દીધી હતી. જેની જાણ થયા બાદ ભગવાન મહાદેવ ક્રોધિત થઈ તાંડવઃ કરવા લાગ્યા હતા. નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારેય દિશામાં વિખેરાયા હતા. માતાજીના આ અંગો જમીન પર જુદી જુદી 51 જગ્યા પડ્યા અને એ તમામ 51 જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે તેવું સ્થાનિક બ્રાહ્મણ અને ઈતિહાસકાર જયેશભાઈ જોશીએ જણાવ્યું.
યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ડાબા પગનો અંગુઠો અને આંગળીઓ પડી હોવાનું કહેવાય છે. તેથી આ જગ્યા પાવાગઢ તરીકે ઓળખાય છે. પાવાગઢ ડુંગર પર માં મહાકાળીનું નિજ મંદિર આવેલું છે. બીજી એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રએ પણ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રશન્ન કર્યા હતા. વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમ સ્થાન પણ પાવાગઢ જ છે. વધુમાં હિન્દુ ધર્મની સાથે સાથે અહીં જૈન અને મુસ્લિમ ધાર્મિક સ્થળો અને સ્થાપત્યો તથા 100 ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ્સ સાઇટ્સ પણ આવેલી છે. તેથી તમામ ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવતા હોય છે. આસોની નવરાત્રિ દરમિયાન 9 દિવસમાં અંદાજે 40 થી 50 લાખ ભક્તો દર્શનાર્થે આવે છે.
આસો નવરાત્રિમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ખુબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ક્યાંક પગપાળા સંઘો, ગરબા અને માતાજીની સ્તુતિમાં મગ્ન બની સંગીતના તાલે માતાના દરબારમાં આવતા હોય છે. તો ક્યાંક માતાજીની ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક એવા ખાસ ભક્તો માતાજીના વેષ ધારણ કરીને આવતા જોવા મળે છે.
ગુજરાત બહારના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવતા ભક્તો નવરાત્રિના એક દિવસ અગાઉ એટલે કે અમાસના દિવસે પાવાગઢના દર્શને આવી પહોંચે છે. તેઓ પોતાની સાથે નિજ મંદિરથી જ્યોત પ્રગટાવીને પોતાના વતન સુધી લઇ જતા હોય છે. પ્રથમ નોરતે પોતાના વતન પહોંચી આ જ જ્યોતને અખંડ રાખી માતાજીના સ્વરૂપના રૂપે સ્થાપના કરી નવ દિવસ આરાધના કરતા હોય છે. માતાજીની માનતા રાખવા માત્રથી પૂરા થવાની પણ માન્યતા લોકો માને છે.
આ વખતની આસો નવરાત્રિમાં અત્યાર સુધી ચોમાસાનું વાતાવરણ રહેતા અહીં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. ભક્તિ આધ્યાત્મ અને પ્રાકૃતિક સૌંદર્યના આહલાદક વાતાવરણ વચ્ચે પાવાગઢ પર્વત સ્વર્ગ સમાન જ લાગે છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવા દ્રશ્યો હાલ પાવાગઢ ડુંગર ફરતે જોવા મળી રહ્યા છે. હલ ઊંટી-મસૂરી જેવા હિલ સ્ટેશન જેવો અનુભવ પાવાગઢ ખાતે થઇ રહ્યો છે. વરસાદી માહોલને કારણે પાવાગઢ પર્વત વાદળો ઘેરાયેલા જોવા મળે છે. ત્યારે પ્રથમ વખત રોપ-વેથી પાવાગઢના કુદરતી સૌંદર્ય પણ અદભૂત લાગી રહ્યાં છે.
નવરાત્રિની શરૂઆતમાં જ પાવાગઢમાં પ્રકૃતિની જાળવણી માટે પણ અનોખી પહેલ જોવા મળી. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બીજી ઓક્ટોબરથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. ત્યારે પાવાગઢના સ્થાનિક વેપારીઓએ પ્રશંશનીય નિર્ણય લઈ નવરાત્રિ દરમિયાન પ્રથમ નોરતાથી જ પાવાગઢને પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ણય લઇ લીધો છે. હવે ગ્રાહકોને પ્લાસ્ટિકની જગ્યા એ કાગળ અથવા કાપડની થેલી આપવાની શરૂઆત કરાઈ છે.
આસો નવરાત્રિને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડુંગર પર વાહનો દ્વારા તથા પગપાળા દર્શનાર્થે જતા ભક્તોને અડચણ રૂપ દબાણો દૂર કરી રસ્તા સમારકામ કરી બનાવવામાં આવ્યા છે તેવું પંમચહાલના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું.