Photos: એસટી બસના પૈડા થંભી જતા મુસાફરો રેલવે તરફ દોડ્યા
સુરતમાં GSRTCના કર્મચારીઓની હડતાલ રાત્રે 12 વાગ્યે શરૂ થતા સુરત બસ ડેપો બંધ કરાવાયો હતો. એસટી કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ કરી નારેબાજી કરી હતી અને કર્મચારીઓએ સરકારને લોલીપોપ બતાવી વિરોધ વ્યક્ત કર્યો છે. ડેપો પર પહોંચેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અટવાયેલા મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. જેને પગલે રેલવે સ્ટેશન પર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સ્ટેશન ટિકિટ લેવા માટે લાંબી લાઈનો લાગી છે. તો બીજી તરફ, ટ્રેનના જનરલ કોચમાં બેસવા મુસાફરોની પડાપડી જોવા મળી રહી છે.
એસટીની હડતાલના પગલે ખાનગી વાહનોને ઘી કેળા જેવી હાલત થઈ છે. બમણું ભાડુ આપીને લોકો ખાનગી વાહનોમાં જવા માટે મજબૂર બન્યા છે. તો એસટીની હડતાળને પગલે ખાનગી બસ, જીપ,રીક્ષાઓ તરફ મુસાફરો વળ્યા છે અને મુસાફરોની ડિમાન્ડ જોતા તેઓએ પણ પોતાનું ભાડુ બમણું કરી દીધું છે. જે જોતા મુસાફરોના માથે જ વધારાનો બોજો પડી રહ્યો છે.