PHOTO GALLARY : ઓસ્ટ્રેલિયામાં આવેલા સદીના વિનાશક પૂરની ભયાવહ તસવીરો
ક્વિન્સલેન્ડ રાજ્યનાં અનેક શહેરો અત્યારે સરોવર બની ગયાં છે. શહેરમાં કારના બદલે અત્યારે હોડીઓ ચાલી રહી છે. આર્મી અને પોલીસ પણ હોડીઓ ચલાવી રહ્યા છે તો બાળકો પણ હોડી લઈને શહેરમાં ફરી રહ્યાં છે. પાણી અત્યારે અનેક લોકો માટે મુસિબત બની ગયું છે.
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યનું ટાઉન્સવિલે શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે. શહેરમાં વિજળી પૂરવઠો બંધ થઈ ગયો છે. 20,000થી વધુ ઘરોમાં પાણી પ્રવેશી ગયાં છે અને હાલ શહેરની ગલીઓમાં મગરમચ્છ અને સાપ તરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરના લોકોને છત પર આશરો લેવો પડી રહ્યો છે.
ટાઉન્સવિલે શહેરમાં ફસાયેલા લોકોની મદદ માટે સરકાર તરફથી આર્મીની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક પોલીસ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં સતત કાર્યરત છે.
ટાઉન્સ વિલે શહેરની હાલત સૌથી વધારે ખરાબ છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી છે. લોકોને ખાવા-પીવાની સામગ્રીથી માંડીને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યા છે. આર્મી અને પોલીસ ભેગા મળીને લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.
અવિરત વરસી રહેલા વરસાદને કારણે પહાડો પરથી ભેખડો અને મોટી-મોટી શિલાઓ પણ ધસી જઈને મુખ્ય સડક પર આવી ગઈ છે. જેના કારણે અનેક હાઈવે બંધ થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ બે શહેરો વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે.
નદીઓમાં આવેલા વિનાશક પૂરમાં સડકો પણ તણાઈ ગઈ છે. અનેક સ્થળે સડક ક્યાં છે તે શોધવું પડે છે. પૂરનું ધસમસતું પાણી સડક પર વહી રહ્યું છે. રસ્તો બંધ થઈ ગયો છે.
પૂરનો પ્રવાહ એટલો ભયાનક છે કે કેટલીક જગ્યાએ પૂલ પણ તુટી ગયા છે કે બેસી પડ્યા છે. જેના કારણે સડકો પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ છે.
વરસાદના પાણીમાં ફસાઈ ગયેલા શહેરના લોકોને બચાવવા માટે પોલીસની સાથે-સાથે આર્મીને પણ મદદ માટે ઉતારવી પડી છે. હાલ શહેરમાં મોટર-કારને બદલે આર્મીની ટેન્કો ફરતી જોવા મળી રહી છે.
અવિરત વરસી રહેલા વરસાદને કારણે 20 હજારથી વધુ સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. અસંખ્ય લોકો માટે અસ્થાયી શેલ્ટર હાઉસ બનાવાયા છે અને અહીં લોકોને આશરો આપવામાં આવ્યો છે. સરકાર પણ પરિસ્થિતિને પહોંચા વળવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.
હવામાન ખાતાએ જણાવ્યું કે, છેલ્લા 100 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં આવું વિનાશક પૂર ક્યારેય આવ્યું નથી. હજુ પણ આગામી કેટલાક દિવસો વિકટ પરિસ્થિતિમાં પસાર કરવા પડે એવી ચેતવણી પણ હવામાન ખાતાએ આપી છે.
શહેરોમાં તો પાણી પ્રવેશ્યાં જ છે, પરંતુ અનેક સ્થળે હાઈવે પણ પૂરના પાણીમાં ડૂબી ગયાં છે. સડકનું ક્યાંય નામનિશાન જોવા મળતું નથી.
ટાઉન્સ વિલે શહેરની પાસેથી પસાર થતી 'રોસ નદી'ના પાણીએ સમગ્ર શહેરને બાનમાં લઈ લીધું છે. આ નદીમાં રહેતા મગરમચ્છ અને સાપ પણ પૂરના પાણી સાથે શહેરમાં તણાઈ આવ્યા છે અને સડક પર જ્યાં જૂઓ ત્યાં મહાકાય મગરમચ્છ અને સાપ જોવા મળી રહ્યા છે. મગરમચ્છ પણ પોતાનો જીવ બચાવવા માટે ઘરોમાં ઘુસી રહ્યા છે અથવા તો ઝાડ પર ચડી ગયેલા જોવા મળે છે.