Photos : દેશની રાજધાની દિલ્હીમાં પણ જામે છે રાસ ગરબાની રમઝટ
પૂર્વ દિલ્હીમાં આવેલા પ્રીત વિહાર વિસ્તારની ગુજરાત વિહાર સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત ગરબાની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી યૂથ ક્લબના સભ્યો દ્વારા કરાય છે. વર્ષો પહેલા શરૂ કરાયેલા આ ગરબા કાર્યક્રમના આયોજકો આજે પણ યૂથ ક્લબના યુવાઓને આયોજનમાં માર્ગદર્શન આપે છે. પરિવારની ત્રીજી પેઢી પણ વર્ષોથી ચાલી આવતી એ જ પરંપરા જાળવી અને નવરાત્રિના નવ દિવસ ગરબાનું આયોજન કરે છે.
પોતાના વતન ગુજરાતથી દૂર રહેતા ગરબા પ્રેમીઓ માટે ગુજરાત વિહારના ગરબા આકર્ષણનું કેન્દ્ર હોય છે. રાસ ગરબા કરવા માટે દિલ્હીના ખૂણેખૂણેથી ગુજરાતીઓ અહીં આવે છે. ન માત્ર ગુજરાતીઓ, પણ દિલ્હીના સ્થાનિક લોકો તથા વિદેશીઓ પણ અહીં આવીને નવરાત્રિના પર્વે જાણે ગુજરાત પહોંચ્યા હોય તેવો અનુભવ કરે છે. અહીં બોલિવુડના ગીતો પર જ નહિ, પણ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા ગાવામાં આવે છે. જર્મનીથી વ્યવસાયના કામ માટે ભારત આવેલી પોલા જણાવે છે કે, તેમણે ગુજરાતના ગરબા વિષે ઘણું સાંભળ્યું હતું પણ આશા ન હતી કે ગુજરાત ગયા વગર દિલ્હીમાં જ આવા પ્રાચીન ગુજરાતી ગરબાની મજા માણવા મળશે.
દુનિયાના કોઇ પણ ખૂણેથી આવતા ગરબા પ્રેમીને ગુજરાત વિહારના લોકો સહર્ષ આવકારે છે. આ સાથે અહીં મહેમાનોની આગતા-સ્વાગતામાં કોઇ કસર બાકી રહેતી નથી. અહીં ગુજરાતના ગરબા જેટલું જ ફેમસ છે ગુજરાતી ફૂડ. એટલે જ ગુજરાતી યૂથ ક્લબ દ્વારા આયોજિત આ ગરબાના કાર્યક્રમમાં ખાસ ગુજરાતી ફૂડની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ફાફડા-જલેબી, દાબેલી, વડા પાંઉ, ઢોકળા, હાંડવો, વગેરે વાનગીઓ માટે રસોઇયા પણ ખાસ ગુજરાતથી બોલાવવામાં આવે છે.
દિલ્હીમાં ગુજરાત વિહાર ઉપરાંત સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા ગુજરાતી સમાજના પરિસરમાં, પ્રિતમપુરા વિસ્તારમાં આવેલા ગુજરાતી એપાર્ટમેન્ટમાં અને અન્ય કેટલાક વિસ્તારો કે જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે તેવા વિવિધ સ્થળોઓએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની બહાર થતા આ પ્રકારના પરંપરાગત આયોજનો ગુજરાતની અસ્મિતામાં વધારો કરે છે.