Photos: ગુજરાતીઓ માટે ફરવાનું નવુ સ્થળ બન્યો વન્ડર વોટર ફોલ, દરરોજ મોટી સંખ્યામાં પહોંચે છે પ્રવસીઓ
ગુજરાતીઓને ડાંગ જિલ્લામાં વધુ એક ફરવાનું સ્થળ ખુબ પસંદ આવી રહ્યું છે. અત્યાર સુધી આ વોટરફોલની મુલાકાતે ઓછા લોકો જતા હતા પરંતુ હવે આ વોટર ફોલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કાલીબેલ નજીક ભાલખેત થઈને મહાલ જતાં માર્ગમાં ચીખલા ગામ નજીક રસ્તાની બાજુમાં થોડા જ અંતરે નવો ધોધ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં ખૂણેખાંચરે એવાં કેટલાંયે સ્થળો છે જે જોવા જેવાં હોય, પણ એ બહુ જાણીતાં ના હોય, એટલે એવી જગ્યાએ બહુ ઓછા લોકો જતા હોય ત્યારે આવી જ એક કુદરતના સાંનિધ્યમાં આવેલી સરસ જગ્યા છે ભાલખેત ચીખલા ગામ નજીક આવેલ ડેબાપાડાનો ધોધ પ્રવાસીઓના મતે (વન્ડર વોટર ફોલ).
ડાંગ જીલ્લાના વઘઇ પીંપરી થઈને 35 કિ.મી તથા વ્યારા થઈ આવતાં ભેંસકાત્રીથી કાલીબેલ 15 કિ.મી જતાં માર્ગમાં ભાલખેત ગામથી મહાલ તરફ જતાં ચીખલા ગામ ના નજીક, રસ્તાની બાજુમાં થોડા જ અંતરે આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. ચીખલા અને ભાલખેત ગામના સ્થાનિક લોકો ના કહ્યા મુજબ આ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ધોધ આવ્યા છે.
આ ડેબાપાડા ધોધ જોવા માટે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ધોધ બેસ્ટ છે જંગલની અંદર આ ધોધ આવેલ હોવાથી પ્રકૃતિ ને જાણવી અને માણવી હોય તો આ ધોધ પર જવા માટે ભાલખેત ગામ થી મહાલ રોડે 3 કિલોમીટરના અંતર સુધી ગાડી જઈ શકે છે. પછી ગાડી મુકી ચાલતા જવું પડે છે ઉંચા નીચા, ખેતરમાંથી પસાર થતા, ક્યાંક પાણીના વહેણમાંથી પસાર થતા કેડી જેવા રસ્તે લગભગ મુખ્ય માર્ગથી થોડા જ અંતરે ચાલ્યા પછી આ ધોધ આગળ પહોંચાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ધોધ સહિત ધોધ આજુબાજુનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને રોજગારી પણ મળી રહે એમ છે જયારે નજીકમાં જોવાલાયક સ્થળો ગીરમાળનો ધોધ, મહાલ કેમ્પ સાઇટ, મહાલ વિસ્તારનું ગાઢ જંગલ, નાના મોટા ધોધ સહિત અલગ અલગ જગ્યાઓ જોવા જેવી છે ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા વાતાવરણ આહલાદક બન્યું છે.