Adventurous Diwali : ગુજરાતના આ પહાડોને ખૂંદવાનો બનાવો પ્લાન
ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. અહીં ટ્રેકિંગ કરવા માટે સરકાર દ્વારા પણ વિવિધ એક્ટિવિટીઝ યોજવામાં આવે છે. યુથ હોસ્ટેલ એસોસિયેશન દ્વારા ગિરનાર ટ્રેકિંગની એક્ટિવિટીઝ નિયમિત યોજાતી હોય છે. ગિરનારમાં માતાજીના મંદિર સુધી જવાના 500 અને ગુરુ શિખર સુધી પહોંચવાના બીજા 5000 એમ કુલ 10,000 પગથિયા છે. પરંતુ જો તમે ગિરનારને સાચા અર્થમાં માણવા માંગો છો, બેગપેક તૈયાર કરીને ટ્રેકિંગમાં નીકળો. અહીં તમને પર્વત પર અદભૂત નજારા જોવા મળશે. ચોમાસામાં ગિરનારને ખૂંદવાની મજા જ કંઈક અલગ હોય છે. 1031 મીટરનો ગિરનાર ખૂંદવા માટે તેની તળેટીથી શરૂઆત કરવી પડી છે. ગિરનારના ટ્રેકિંગમાં તમને નાગા બાવા અને અધોરા સાધુઓની પણ મુલાકાત થશે. અધોરા સાધુઓ અહીં તમને ચલમ ફૂંકતા નજરે ચડશે.
માઉન્ટેનિયર્સ માટે પાવાગઢ ઓપ્શન પણ બેસ્ટ છે. એક તરફ જ્યાં ભક્તો માછીથી પગથિયા ચઢીને મા કાળીના દર્શન કરવા પહોંચે છે, ત્યાં બીજી તરફ ટ્રેકર્સ પર્વતોને ઓળંગીને પાવાગઢની વિવિધ ચોટીઓ સુધી પહોંચે છે. પાવાગઢમાં ટ્રેકિંગ શરૂ કરવા માટે અલગ અલગ પોઈન્ટ્સ છે, જ્યાંથી ટ્રેકર્સનું ગ્રૂપ ચઢવાનું શરૂ કરે છે. પાવાગઢ ટ્રેકિંગ 4થી 5 કલાકમાં પૂરુ થઈ જાય છે. પાવાગઢ ટ્રેક પૂરો કરીને તમે નીચે ચાંપાનેર હેરિટેજ સાઈટ પણ નિહાળી શકો છો.
કચ્છમાં આવેલ 462 મીટરનો કાળો ડુંગર પણ પર્વતારોહણ માટે બેસ્ટ ગણાય છે. ડોબાર્નાથી કાળા ડુંગર સુધીનો ટ્રેક તમને સૂકા જંગલી વિસ્તારમાંથી પત્થરની અજાયબી જેવા રસ્તા પર લઈ જશે. અહીં પહોંચીને તમને આકર્ષક સનસેટનો પણ નજારો જોવા મળી શકે છે. કાળો ડુંગર એવી જગ્યા છે, જ્યાં દરિયો, રણ અને પહાડ બધું જ છે.
ઉત્તર ગુજરાતમાં આવેલ ફેમસ ટ્રેકિંગ ડેસ્ટિનેશન એટલે તારંગા હિલ્સ. આ પર્વત પર અનેક ટ્રેકિંગ એક્ટિવિટીઝ યોજવામાં આવે છે. ટ્રેકર્સને અહીં ઉપર પહોંચીને અનોખો અનુભવ થાય છે. શાંત, રમણીય તથા ચોખ્ખા વાતાવરણમાં અહીં આકાશ દર્શનની પણ અનેક એક્ટિવિટીઝ કરવામાં આવે છે.