1 kg પ્લાસ્ટિકના બદલામાં અહી મળે છે મેથીના ગોટા, કચોરી અને સમોસા...
દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફેમાં એક કિલો પ્લાસ્ટિક આપો અને ગરમાગરમ ગોટા ખાઓ. દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેની બીજી વિશેષતા પણ છે. તાલુકા પંચાયત કચેરી સામે શરૂ કરવામાં આવેલા આ પ્લાસ્ટિક કાફેમાં કોઇ પણ વ્યક્તિ 5૦૦ ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તો એક કપ ચા કે કોફી મેળવી શકે છે. જ્યારે ૧ કિલો પ્લાસ્ટિક આપીને એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. આ ઉપરાંત પૌવા, દાબેલી, કચોરી, સમોસા પણ મંગાવી શકાશે. અત્યારે સ્વસહાય જુથની 10 મહિલાઓ આ કાફેમાં જોડાઇ છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ કાફેની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં સરેરાશ રોજ 10 જેટલા લોકો દ્વારા પ્લાસ્ટિક જમા કરવામાં આવે છે અને ચા નાસ્તાની મિજબાની માણવામાં આવે છે. દાહોદ જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે, જેનાથી નગરમાંથી પ્લાસ્ટિકના કચરાનો સકારાત્મક નિકાલ કરવા માટે નાગરિકોને સરસ વિકલ્પ મળી રહેશે. સાથે સ્વસહાય જુથની મહિલાઓને રોજગારી પણ મળી રહેશે તેવું પ્લાસ્ટિક કેફેના સભ્ય પીનલ પંચાલે જણાવ્યું.
પ્લાસ્ટિકથી પર્યાવરણને થઇ રહેલા નુકશાન બાબતે પણ લોકોમાં જાગૃતિ લાવવા આ કાફે ઉપયોગી થશે. આ કાફેમાં સ્વસહાય જુથની વિવિધ મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ જેવી કે તોરણો, બંગડી, રાખડી વગેરે પણ સજાવીને વેચાણ અર્થે મૂકવામાં આવી છે. જે પણ મહિલાને રોજગારી આપવામાં મદદરૂપ બનશે.