PM મોદીએ બોર્ડર પર ITBPના જવાનોને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી, PHOTOS
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની કેદારનાથમાં આ ત્રીજી મુલાકાત છે. ગત બે વાર તેમણે મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો. આ વખતે તેમણે જળાભિષેક કર્યો હતો. તેમણે મંદિરમાં આવીને નંદીને પ્રણામ કર્યા હતા. બાદમાં મંદિરની પરિક્રમા કરી હતી. ગળામાં માળા પહેરીને તેમણે મંદિરની પ્રદક્ષિણા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સેનાના જવાનોની સાથે બુધવારે દિવાળી ઉજવશે અને પોતાના અનુભવોની તસવીરો રજૂ કરશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી દિવાળીની શુભેચ્છાઓના જવાબમાં મોદીએ કહ્યું કે, દર વર્ષે હું અમારા સરહદીય વિસ્તારમાં જઉં છું અને જવાનોને હેરાન કરું છું. આ વર્ષે પણ હું બહાદુર જવાનો પાસે જઈશ. તેમની સાથે સમય વિતાવવો ખાસ બની જાય છે. તેમણે કહ્યું કે, બુધવારની સાંજે તેઓ તસવીરો શેર કરશે. પીએમ મોદીની આ મુલાકાત પર સેના પ્રમુખ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરી કે, ઈઝરાયેલના લોકો તરફથી, હું મારા પ્રેમાળ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. રોશનીના આ ચમકદાર તહેવારથી તમને ખુશી અને સમૃદ્ધ મળે. અમને બહુ જ આનંદ થશે કે, તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો, જ્યાંથી તમે તહેવાર ઉજવી રહ્યાં છો.
દર વર્ષે દિવાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં જશે, તેની ચર્ચા હંમેશા થતી રહે છે. કારણ કે, તેઓ છેલ્લાં ચાર વર્ષથી દિવાળીનો પાવન તહેવાર વિવિધ જગ્યાઓ પર લોકોની વચ્ચે ઉજવવાનું પસંદ કરે છે. 2016માં તેમણે હિમાચલ પ્રદેશમાં ચીનને અડીને આવેલી બોર્ડર પર તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવી હતી. તો વર્ષ 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં તૈનાત બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.