PM મોદી મળશે બ્રુનેઈના સુલ્તાનને...અંબાણીને પણ પાછળ પાડે તેવા! ધરાવે છે સોનાનો મહેલ, બોઈંગ પ્લેન, 7000 કારોનું કલેક્શન
સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાએ વર્ષ 1967માં બ્રુનેઈની ગાદી સંભાળી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. 4.5 લાખની વસ્તીવાળા બ્રુનેઈમાં 600 વર્ષથી બોલ્કિયા પરિવાર રાજ કરે છે અને સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા શાહી પરિવારના 29માં વારસદાર છે. તેઓ બ્રુનેઈના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી અને રક્ષામંત્રી પણ છે.
બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે અગણિત સંપત્તિ છે. વર્ષ 2009માં ફોર્બ્સ મુજબ હસનલની સંપત્તિ 1.36 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.જો કે રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે હવે તેમની સંપત્તિ 2.88 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ છે.
બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાની કમાણીનો સૌથી મોટો રસ્તો ઓઈલ રિઝર્વ અને નેચરલ ગેસ છે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈમાં ઓઈલ અને કુદરતી ગેસ ભંડાર છે.
બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે 20 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો એક મહેલ છે જે 1984માં બનાવવામાં આવ્યો હતો. દાવો કરાયો છે કે તેમનો આ મહેલ ઈત્સાના નુરુલ ઈમાન પેલેસ દુનિયામાં સૌથી મોટો મહેલ છે અને તેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુલ્તાનના મહેલની કિંમત 2250 કરોડ રૂપિયા છે.
સુલ્તાનનો મહેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસમાં 1700 રૂમ, 257 બાથરૂમ, 5 સ્વિમિંગ પુલ, અને 110 ગેરેજ છે. આ મહેલમાં જે ગુંબજ છે તેમાં 22 કેરેટનું સોનું લાગેલું છે. આ સિવાય મહેલની દીવાલો ઉપર પણ સોનું મઢેલું છે.
બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાને કારોનો પણ ખુબ શોખ છે. તેમની પાસે લગભગ 7000 કાર છે. જેમાં 600 રોલ્સ રોઈસ, 300 ફરારી, 134 કોએનિગ્નેસ, 11 મેક્લેરેન એફ1એસ, 6 પોર્શે, 962 એમએસ અને અનેક જગુઆર કારો પણ છે. આ કારોને રાખવા માટે તેમના મહેલમાં 110 ગેરેજ છે. બ્રુનેઈના સુલ્તાનના 200 ઘોડા માટે એરકન્ડિશન્ડ તબેલા પણ છે.
બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસેકારોની સાથે સાથે પ્રાઈવેટ જેટ્સનું પણ મોટું કલેક્શન છે. તેની પાસે પ્રાઈવેટ જેટ બોઈંગ 747-400, બોઈંગ 767-200 અને એરબસ એ340-200 છે.
રિપોર્ટ મુજબ બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે જે પ્રાઈવેટ જેટ છે તે સોનાજડિત છે. જેની કિંમત 3359 કરોડ જેટલી છે. પ્લેનની અંદર વોશ બેસિન પણ સોનાનું છે અને જેટની અંદર દીવાલો પર સોનું મઢેલું છે. જેટના ફ્લોર પર સોનાના તારવાળો ગાલીચો છે. આ જેટમાં લિવિંગ રૂમથી લઈને અનેક બેડરૂમ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે દરેક ચીજની વ્યવસ્થા છે.
બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા 3 વાર લગ્ન કરી ચૂક્યા છે. બ્રુનેઈની ગાદી સંભાળવાના 2 વર્ષ પહેલા વર્ષ 1965માં પેન્ગિરન અનક હાજા સાલેહા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1981માં મરિયમ અબ્દુલ અઝીઝ અને 2005માં અજરીનાઝ મઝહર સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમણે 2003માં મરિયમ અને 2010માં અરિનાઝ સાથે ડિવોર્સ લઈ લીધા હતા.