ગુજરાતમાં દોડશે શાહી ટ્રેન : રજવાડી લૂકની રાજ્યની પ્રથમ ટ્રેનને PM એ આપી લીલીઝંડી
ગુજરાતની આ પ્રથમ હેરિટેજ ટ્રેનની ખાસિયતોની વાત કરીએ તો ટ્રેન એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદ અને અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે. આ હેરિટેજ ટ્રેન દર રવિવારે જ ચાલશે.
100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેનમાં કુલ 4 કોચ છે, જેમાં એક સમયે 144 મુસાફરોની બેસવાની વ્યવસ્થા છે.
એટલું જ નહીં ટ્રેનમાં જમવા માટે ડાઈનિંગની પણ સુવિધા છે. જેના માટે ખાસ એસી રેસ્ટોરાં તૈયાર કરાઈ છે. એટલે કે લોકો ચાલુ ટ્રેનમાં ભોજનનો સ્વાદ માણી શકશે. જેમાં એક સમયે 28 મુસાફરો સાથે બેસીને ભોજન લઈ શકશે.
રેસ્ટોરાંના ડાઈનિંગ ટેબલ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. જેમાં ગાદીવાળી બેઠકો સાથે 2 સીટર સોફાની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બ્રાન્ડેડ ફિટિંગ સાથે FRP મોડ્યુલર ટોઈલેટ પણ બનાવાયા છે.
આ ઈલેક્ટ્રિક ટ્રેન છે, જેને સ્ટીમ એન્જિનનો લુક આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ટ્રેનના વિન્ડો કાચ વિસ્ટા ડોમ જેવા રાખવામાં આવ્યા છે.
લગેજ રેક વ્યવસ્થા તેજસ એક્સપ્રેસના કોચ જેવી છે. અને દરવાજા પણ ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ સ્લાઈડિંગ રાખવામાં આવ્યા છે.
આ ટ્રેનને એવી રીતે તૈયાર કરાઈ છે, જેમાં તમને શાહી સવારીની સાથે સાથે આધુનિક સુવિધાઓ પણ મળી રહેશે.
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે જ્યાં સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા છે એવા કેવડિયા પીએમ મોદી પહોંચ્યા અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને એકતા શપથ લેવડાવ્યા. એકતા દિવસ પર આયોજિત ખાસ પરેડનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું.
આ એકતા પરેડમાં મહિલા જવાનોએ હેરતઅંગેજ કરતબો બતાવ્યા અને સાથે જ ભારતના અલગ-અલગ પ્રદેશની સંસ્કૃતિની ઝલક જોવા મળી.
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતિ છે..ત્યારે દેશને એક કરનાર સરદારને અંજલિ આપવા માટે તેમને જન્મદિવસ એકતા દિવસ તરીકે ઉજવાય છે.
વર્ષ 2019થી 31 ઓક્ટોબરે એકતા દિવસ ઉજવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. દર વર્ષે એકતા દિવસ પર કેવડિયા સહિત રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. એકતા દિવસે કેવડિયામાં ખાસ પરેડ કરવામાં આવે છે.