પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી જશે પાકિસ્તાની કમર શેખ, આ રીતે 30 વર્ષ પહેલા બન્યા હતા ધર્મના બહેન
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે. સતત 30 માં વર્ષે પીએમ મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે. કમર મોહસીન શેખ દ્વારા પીએમ મોદીને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા અમદાવાદના કમર શેખ દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રી ભાઈ માટે આ પાકિસ્તાની બહેને જાતે જરદોશી વર્કની રાખડી બનાવી છે.
કમર શેખે જણાવ્યું કે, હું જાતે રાખડી બનાવું છું, જ્યાં સુધી મને રાખડી ગમે નહિ ત્યા સુધી બનાવતી રહુ છુ. પછી એક ફાઈનલ કરું છું. જે વ્યક્તિ આખા દેશને સંભાળી રહ્યો છે, મારા ભાઈના હાથે આ રાખડી બંધાશે તો મને ખુશી થશે. રક્ષાબંધન આવતા પહેલા અમે તેમને મેઈલ કરી દઈએ છીએ, તેના બાદ મને કન્ફર્મેશન આવે છે, તેના બાદ અમે દિલ્હી જઈએ છીએ.
અમારી ઓળખને 38 વર્ષ થઈ ગયા છે. દિલ્હીમાં પહેલીવાર મારી ભાઈ સાથે મુલાકાત કરી હતી. પહેલીવાર તેઓએ મને બહેન કરીને સંબોધ્યુ હતું. મારો કોઈ સગો ભાઈ-બહેન નથી. તેથી જે અંદાજમાં તેમણે મને બહેન કહ્યું હતું, તે મને સ્પર્શી ગયું હતું. ત્યારે મેં પહેલી રાખડી તે સમયે તેમને બાંધી હતી. તેના બાદ તે અલગ અલગ રાજ્યો ફરતા હતા, તેથી નિયમિત રાખડી બંધાતી ન હતી. પંરતુ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મેં તેમને રાખડી બાંધી હતી. ત્યારથી આ સિલસિલો ચાલુ છે. હુ ચૂંટણી પહેલા હજ માટે ગઈ હતી, ત્યારે પણ મેં તેમના ફરી પ્રધાનમંત્રીની બનવાની દુઆ માંગી હતી.
કમર શેખ છેલ્લા 30 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહ્યાં છે. વચ્ચે કોરોનાના કારણે મોહસીન શેખ પીએમને રાખડી બાંધવા રૂબરૂ નથી જઈ શક્યા. મૂળ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા કમર મોહસીન શેખ પોતાના લગ્ન બાદ ભારતમાં સ્થાયી થયા હતા, છેલ્લા 42 વર્ષથી તેઓ ભારતમાં વસવાટ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કમર મોહસીન શેખને ધર્મના બહેન માને છે.
તો ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રાખડી મોકલવામાં આવશે. ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ વિશે મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકા સરવડાએ જણાવ્યું કે, ૨૫,૦૦૦ જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. રાખડી સાથે પીએમને પત્ર પણ મોકલવામાં આવશે. પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલ કામોનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ૧૦૦૦ જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે.