Kashi Vishwanath Dham: આકરી ઠંડીમાં કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે નહીં કરવી પડે ડ્યૂટી, PM મોદીએ આ ખાસમખાસ જૂતા મોકલ્યા
શ્રીકાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડ્યૂટી કરનારા હવે જ્યૂટના જૂતા પહેરીને ડ્યૂટી કરશે. જે રીતે ઠંડી વધી રહી છે તેને જોતા મંદિર પરિસરમાં ડ્યૂટી કરનારાઓને રવિવારે જ્યૂટના જૂતાનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંદિરમાં આ પહેલ કરાઈ. પ્રધાનમંત્રીને ખબર હતી કે ઠંડીમાં સીઆરપીએફ જવાનો, પોલીસ, અર્ચક, સેવાદાર અને સફાઈકર્મી ખુલ્લા પગે ડ્યૂટી કરે છે.
પીએમ મોદીના નિર્દેશ બાદ દિલ્હીથી જ્યૂટના 100 જૂતા કર્મચારીઓ માટે મોકલવામાં આવ્યા. રવિવારે મંડલાયુક્ત દીપક અગ્રવાલે મંદિરમાં કામ કરી રહેલા શાસ્ત્રી પૂજારી, સીઆરપીએફ જવાનો, પોલીસકર્મી, સેવાદાર અને સફાઈકર્મીઓને આ જૂતા વહેંચવામાં આવ્યા.
ઠંડીના કારણે ખુલ્લા પગે કામ કરનારા કર્મીઓને જે મુશ્કેલી થઈ રહી હતી તેની જગ્યાએ હવે જ્યૂટના જૂતા મળી જવાથી આ કર્મીઓને ઘણી રાહત મળી રહેશે. આ જૂતાનો ઉપયોગ કાશી વિશ્વનાથ ધામ પરિસરની અંદર કરવામાં આવશે. પીએમ મોદીના આ નિર્ણય બાદ ત્યાં કામ કરતા કર્મીઓમાં આનંદનું મોજુ ફરી વળ્યું.
આ જ્યૂટના ખાસ જૂતાનું વિતરણ વારાણસીના મંડલાયુક્ત દીપક અગ્રવાલ, પોલીસ કમિશનર એ સતીષ ગણેશ તથા શ્રી કાશી વિશ્વનાથ ધામના સીઈઓ ડો. સુનિલકુમાર વર્મા દ્વારા કરવામાં આવ્યું.
અત્રે જણાવવાનું કે મંદિર પરિસરમાં ચામડા, રબરથી બનેલા જૂતા ચપ્પલ પર પ્રતિબંધ છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતા પીએમ મોદીએ કર્મચારીઓ માટે આ ખાસ જૂતા મોકલાવ્યા છે.
રવિવારથી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. કોરોના સંક્રમણને જોતા મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. આ સાથે રવિવારથી થર્મલ સ્કેનિંગ, અને હેન્ડ સેનેટાઈઝેશન બાદ જ શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાયો.