રાજકોટના ચિત્રકારે તૈયાર કરેલ શિવાજીની સવારી નામનું ચિત્ર PM મોદી પૂર્ણ કરશે, જાણો કેમ?
પરંતુ જ્યારે ચિત્ર 115 મીટરએ પહોંચ્યું ત્યારે ચિત્રકારનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ અંગેની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેઓએ મન કી બાત કાર્યક્રમમાં આ ચિત્ર તેમજ ચિત્રકારના વખાણ કર્યા હતા અને તેમનું જે અધૂરું રહેલું ચિત્ર છે તે ભારતના પ્રતિભાશાળી ચિત્રકાર દ્વારા પૂર્ણ કરવા માટેની બાંહેધરી આપી હતી તો ચાલો જાણીએ શું છે આ ચિત્રની વિશેષતા....
રાજકોટના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટએ એક સંકલ્પ લીધો હતો કે આપણી ભાવિ પેઢી તેમજ સમગ્ર વિશ્વ આપણા વારસાથી વાકેફ થાય તે માટે શિવાજીને જ્યારે રાજ્યભિષેક કરાવવામાં આવ્યો હતો ત્યારે તેઓ તેમના કુળદેવી માતાજીના દર્શન માટે ગયા હતા ત્યારે તેમાં શિવાજીનું સૈન્ય, ઘોડા, હાથી તેમજ પર્વતો અને રસ્તાના જે દ્રશ્યો હતા તે કેનવાસ ઉપર 888 મીટર પેઇન્ટિંગ કરી તેને તૈયાર કરવા માટેનો સંકલ્પ લીધો હતો
ચિત્રકાર પ્રભાતસિંહ બારહટે શિવાજીની સવારી નામનું ૮૮૮ મીટર ચિત્ર બનાવવાનો જે સંકલ્પ લીધો હતો તે લોઢાના ચણા ચાવવા સમાન હતો કેમકે પ્રભાતસિંહ જે ચિત્ર તૈયાર કરવા માંગતા હતા તે જે તે સમયે શિવાજીની સવારીમાં જે સૈન્ય હતું તેનો પહેરવેશ કેવો હતો તેની પાઘડીના માપદંડ કેવા હતા તેમાં ઘોડા અને હાથી કે જેમની લંબાઈ કેટલી હતી તેઓની શું વિશેષતા હતી તે તમામ પાત્રોને તેઓ પેઇન્ટિંગના મારફતે વર્ણન કરવા માંગતા હતા અને તે માટે તેઓએ ખૂબ જ રિસર્ચ તેમજ અભ્યાસ કર્યો હતો ઉપરાંત મહારાષ્ટ્રની અલગ અલગ લાઇબ્રેરી તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ જે 115મીટરનું જે ચિત્ર તૈયાર કર્યું તેમાં તેઓએ 20 વર્ષ રાત દિવસ જોયા ન હતા
ચિત્રકારે કરેલા સંકલ્પ મુજબ તેમણે શિવાજીની સવારી 888 મીટર લાંબી બનાવવાની હતી. જેથી ચિત્રકાર દ્વારા 20 વર્ષ સુધી રાત દિવસ જોયા વિના 115 મીટર સુધી આ ચિત્ર બનાવવામાં આવ્યું તે દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી પરિવારજનોમાં પણ ખૂબ જ દુઃખ અને નિરાશાની લાગણી હતી કે તેઓનું જે સ્વપ્ન હતું કે શિવાજીની સવારી નામનું ચિત્ર બનાવવું તે ક્યાંક ને ક્યાંક અધૂરું રહી ગયું છે.
પરંતુ કહેવાય છે કે કલાકાર ક્યારેય પણ મૃત્યુ પામતા નથી તેવી જ રીતે વડાપ્રધાને આજે એટલે કે રવિવારે કરેલી મન કી બાત કાર્યક્રમમાં રાજકોટના આ ચિત્રકારના ચિત્રનો ઉલ્લેખ કર્યો હતો અને પ્રશંસા પણ કરી હતી તેમજ આ અધૂરું ચિત્ર પૂર્ણ કરવા માટે ભારતના ચિત્રકારને કામ સોંપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી.