PHOTOS: શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા PM મોદી, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર માથું ટેક્યું
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવમા શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર રાજધાની દિલ્હી સ્થિત શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને માથું ટેકીને તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે ગુરુદ્વારા શીશગંજ સાહિબમાં મે પ્રાર્થના કરી. શ્રી ગુરુ તેગ બહાદુરજીના જીવન, આદર્શો અને સર્વોચ્ચ બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં. તેમની સાથે આ અવસરે ભાજપના રાષ્ટ્રીય સચિવ આર પી સિંહ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ કેટલીક તસવીરો ટ્વીટ કરી છે જેમાં તેઓ માથું ટેકતા જોવા મળે છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોના જણવ્યાં મુજબ મોદી જે સમયે ગુરુદ્વારા ગયા, તે સમયે રસ્તા પર કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો નહતો. સામાન્ય લોકોની સુવિધાને જોતા કોઈ બેરિકેડ્સ પણ લગાવવામાં નહતાં આવ્યા. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન માસ્ક પહેરેલો હતો તથા તેમણે ત્યાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને ત્યાં રહેલા લોકોનું અભિવાદન કર્યું.
આ અગાઉ મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે શ્રી ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના અસરે હું તેમને નમન કરું છું. પછાત લોકોની સેવા કરવાના પ્રયત્નો અને તેમના સાહસ માટે દુનિયાભરમાં તેમનું સન્માન છે. તેમણે અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ નતમસ્તક થવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ બલિદાન અનેક લોકોને મજબૂતી અને પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી ગત વર્ષ ગુરુ તેગ બહાદુરની પુણ્યતિથિ પર દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા રકાબગંજ અચાનક જ પહોંચી ગયા હતા અને સર્વોચ્ચ બલિદાન આપનારા ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્ર સરકારે ગત વર્ષ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વને ધામધૂમથી મનાવવાનો નિર્ણય લીધો હતો. (તમામ તસવીરો-પીએમ મોદી ટ્વિટર એકાઉન્ટ)