હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કોંગ્રેસ નેતાના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા
મોઢું છુપાવીને બેસેલા આ નબીરાઓની દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. રાચરડામાં આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં માનુષ દેસાઈની બર્થડેનું સેલિબ્રેશન થઈ રહ્યું હતું. સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે આ ફાર્મમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. પોલીસની એક ટિમ ફાર્મ પહોંચી તો યુવાનો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી.
પોલીસને જોતા જ નબીરાઓએ દારૂની બે બોટલ ફેંકી દીધી. પરંતુ પોલીસે રેડ કરીને દારૂની એક બોટલ સાથે 20 યુવાનોને મહેફિલમાં ઝડપી લીધા હતા. પોલીસે ફાર્મ હાઉસથી વૈભવી ગાડીઓ સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની મહેફિલમાં ઝડપાયેલા નબીરાઓમાં કોંગ્રેસના દિગગજ નેતાનો પુત્ર પણ છે. મિત્રની બર્થડેની ઉજવણીમાં દારૂ પિતા તે પણ રંગે હાથે ઝડપાયો હતો.
આ અગાઉ કોંગ્રસના નેતાના પુત્ર પણ દારૂ મહેફિલમાં ઝડપાયો હતો. એક બાજુ ભાજપના શાસનમાં દારૂની રેલમછેલની વાત કરતા કોંગ્રેસના નેતાના પુત્ર જ જો દારૂ પીતા ઝડપાય તો વાત ખોટી પણ નથી. ખરેખર ગુજરાતમાં દારૂબંધી ફક્ત વાતો છે. હાલમાં સાંતેજ પોલીસે જન્મદિવસમાં દારૂની પાર્ટીનું આયોજન કરનાર માનુષ દેસાઈની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વનું છે કે, રાચરડામાં શ્રમદીપ ફાર્મ હાઉસ લાલભાઈ પટેલનું હોવાનું ખુલ્યું છે. જ્યારે તેનો પુત્ર પણ દારૂની મહેફિલમાં પકડાયો છે. ત્યારે આ નબીરાઓ દારૂ ક્યાંથી લાવ્યા અને ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં કોણ કોણ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી.