PICS ચૂંટણી પહેલા કોંગ્રેસનો `માસ્ટરસ્ટ્રોક`, ભાઈ-બહેનની જોડી જીત અપાવશે? પ્રિયંકા ગાંધી વિશે ખાસ જાણો
જો કે 47 વર્ષના પ્રિયંકા ગાંધીએ લાંબા સમયથી ઔપચારિક રીતે પાર્ટી જોઈન કર્યા વગર જ પોલીટિક્સમાં ખુબ પાવરફૂલ હતાં.
પ્રિયકાં ગાંધી કોઈ પણ પદ વગર પડદા પાછળ કોંગ્રેસ માટે કામ કરી રહ્યાં હતાં. તેઓ ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં હતાં અને રણનીતિ પણ બનાવતા હતાં.
વર્ષ 2018માં કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે પ્રિયંકા ગાંધીને ગેમ ચેન્જર ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે 2019ની ચૂંટણીમાં પ્રિયંકા મોટી ભૂમિકા ભજવશે. ત્યારે કોંગ્રેસે સ્વીકાર્યું હતું કે પ્રિયંકા પાર્ટીની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
પ્રિયંકા ગાંધી અંગે કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એકવાર કહ્યું હતું કે તેઓ પોતાનું કામ પોતે પસંદ કરે છે અને ખુબ સારી રીતે નિભાવે છે. જો કે આ અગાઉ કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવશે તે અંગે ઈન્કાર કરતી હતી.
સોનિયા અને રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલી અને અમેઠીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં અનેકવાર ઉતરેલા છે. લોકો ઉપર પણ તેમનો સારો પ્રભાવ પડેલો છે. ગરીબ અને મહિલાઓ વચ્ચે ખાસ કરીને પ્રિયંકા ગાંધી જાય છે ત્યારે પાર્ટી ઉપર ભરોસો અપાવવાનું કામ કરે છે.
2012માં પ્રિયંકા ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો હતો. અનેક જાણકારો કહે છે કે પ્રિયંકા ગાંધીની અંદર એક નેચરલ લીડરની ખુબીઓ છે.
પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. તેમણે રોબર્ટ વાડ્રા સાથે 1997માં લગ્ન કર્યા હતાં. કેટલીક ચૂંટણી રેલીઓમાં તેમની સાથે વાડ્રા પણ જોવા મળ્યાં હતાં. વાડ્રા અને પ્રિયંકાના બે બાળકો છે.
અત્રે જણાવવાનું કે ચૂંટણીની બરાબર અગાઉ પ્રિયંકાને કોંગ્રેસમાં મહત્વની જવાબદારી એ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે. તેમને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.