આજની ઘડી રે રળિયામણી : ધોળાવીરા બાદ ભૂજના સ્મૃતિવનને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ
વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં ભુજનુ સ્મૃતિવન સામેલ થયું છે. કચ્છના ધોળાવીરાને હેરિટેજ સાઈટમાં સ્થાન બાદ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારતી વધુ એક ઘટના બની છે. યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ મળ્યો છે.
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા નથી મળી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ બનાવ્યું હતું. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની અદ્ભુત ડિઝાઈન બનાવાઈ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સહિતના લોકોએ સમગ્ર ટીમને શુભેચ્છા આપી.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે.
28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ હતુ. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવી છે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે. જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.
મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મીઓનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.
પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.
કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતુથી આ મ્યૂઝિયમની દીવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.
ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે.
જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવ્યું છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.