ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે પીએમ મોદી, રબારી સમાજનુ આસ્થાનું છે કેન્દ્ર
તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ પોથીયાત્રા અને કળશ યાત્રા નીકળશે. આ સમગ્ર આયોજન પૂર્ણ થયા બાદ પૂજ્ય ગીરીબાપુ કથાનું રસપાન કરાવશે. બપોર બાદ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો સાંજે 4 વાગે મોટીવેશનલ સ્પીકર પ્રોગ્રામ રહેશે. રાત્રે ભવ્ય સંતવાણી પ્રોગ્રામનું આયોજન કરાયું છે.
આ મહોત્સવમાં રોજ 3 થી 4 લાખ ભક્તો કથા માં હાજરી આપવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જ્યાં હજારો સ્વયં સેવકો સેવા બજાવશે. પોલીસ કર્મીઓ સુરક્ષાને લઈને સતર્ક રહેશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે.
16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી દરમ્યાન રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1100 કુંડીનો અતીરુદ્ર મહાયજ્ઞ યોજાશે. તો 22 ફેબ્રુઆરી એ વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.