ફટાકડા બજારમાં આવી નવી વેરાયટી, રાફેલ રોકેટ અને પબજી ગન જોઈને જ લોકો ચોંક્યા...
દિવાળીના પર્વને મનાવવા માટે નાના મોટા સૌ કોઈ લોકો આતુર હોય છે અને તેમાં પણ આ વર્ષે કોરોનાની મહામારી કારણે લાંબા સમય બાદ લોકો કોઈ તહેવાર ની ઉજવણી કરી શકશે જેનો પણ અલગ આનંદ ઉમંગ જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના ઘર આંગણે દીપ પ્રગટાવી, રંગોળી કરી, ફટાકડા ફોડી અને પર્વની ઉજવણી પરિવારજનો તેમજ મિત્રો સાથે હળીમળી ને મનાવતા હોય છે.
ફટાકડા બજારમાં દર વર્ષે કોઈને કોઈ નવી વેરાયટી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે પણ ફટકડામાં કંઈક નોંખું આવ્યું છે. રાફેલ રોકેટ, ડ્રોન, સેલ્ફી સ્ટીક, પબજી ગન અને ફ્લેશ લાઇટ ફટાકડા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જેની પણ ખૂબ જ વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. રાફેલ લડાકુ વિમાન ભારતમાં લાવવામાં આવ્યા બાદ આજે ભારત વાસીઓમાં રાફેલ આકર્ષણનું કેન્દ્ર હોવાથી ખાસ બજારમાં રાફેલ ફટકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
વેપારીઓનું માનીએ તો, આ વર્ષે ફટાકડામાં કોઇ ભાવ વધારો જોવા નથી મળ્યો. પરંતુ હજુ પણ લોકોમાં ડર છે. જેના કારણે ગત વર્ષ કરતા ઓછી ખરીદી થાય તેવું જણાય છે. જોકે આ સાથે વેપારીઓનું એવું પણ માનવું છે કે, દિવાળીના તહેવારના અંતિમ બે દિવસમાં પણ લોકોની ખરીદી વધતી હોય છે, તે આ વર્ષે પણ જોવા મળે તો મંદીનો માર સહન કરવો નહિ પડે.
દિવાળીના પર્વ પર નાના બાળકોથી લઇ મોટા સૌ કોઈ લોકો ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરતા હોય છે. જેમાં અવનવી વેરાયટી દર વર્ષે જોવા મળતી હોય છે. બજારમાં વેચાતા મોટાભાગના એટલે કે ફુલજરને બાદ કરતાં તમામ ફટાકડા તમિલનાડુમાં બનતા હોય છે. તમિલનાડુમાં ફટાકડા બનાવવાની મોટી ફેક્ટરીઓ આવેલી છે અને ત્યાથી જ મોટાભાગના ફટાકડા અલગ અલગ રાજ્યોમાં પહોંચાડવામાં આવતા હોય છે. આ વર્ષે બજારમાં નવા આવેલ ફટાકડા સહિત વાત કરીએ તો 5 રૂપિયા થી લઈ 5000 સુધીના ફટાકડા બજારમાં જોવા મળી રહ્યાં છે.