બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ થશે ભેગી! નવરાત્રિ બાદ વરસાદ જ નહીં વાવાઝોડાનો પણ ખતરો
ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો કેટલાક જિલ્લામાં મોટો વરસાદ પડ્યો છે. આ વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવયા પ્રમાણે રાજ્યમાં શરદ પૂનમથી દેવ દિવાળી સુધી વાતાવરણમાં પલટો આપશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધારે શક્યતાઓ છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની સંભાવના છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માત્ર વરસાદ જ નહીં વાવાઝોડા અંગે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ ભેગી થઈ શકે છે. આ બંને સિસ્ટમ ભેગી થતાં વાવાઝોડું નિર્માણ પામી શકે છે. 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો મહીસાગર, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ થવાની શક્યતા છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે.
નવરાત્રિના છેલ્લા નોરતે 11 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. તો ત્રીજા દિવસે 12 ઓક્ટોબરના રોજ પણ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ રહેશે.