72 વર્ષ, 12 પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીત્યું ભારત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રો થયો છે. ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની આ ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચી દીધો છે. ભારતે 72 વર્ષ બાદ કાંગારૂને પોતાના ઘરમાં પરાજય આપ્યો છે. સિડની ટેસ્ટમાં 193 રન ફટકારનાર ચેતેશ્વર પૂજારા મેન ઓફ ધ મેચ રહ્યો, જ્યારે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ તેને મળ્યો છે. તેણે ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 521 રન બનાવ્યા છે.
ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 72 વર્ષણાં પ્રથમવાર કોઈ ટેસ્ટ મેચોની સિરીઝ જીતી છે, આઝાદી બાદ પ્રથમવાર ભારતીય ટીમ આ દેશમાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસના પેજ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખી દીધું છે. કારણ કે જ્યારે પ્રથમવાર આ બંન્ને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ ત્યારે હાલની ભારતીય ટીમના કોઈ ખેલાડીનો જન્મ પણ થયો નહતો.
ભારતે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 31 રનથી જીતી હતી. જ્યારે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેનો 146 રનથી પરાજય થયો હતો. મેલબોર્નમાં ભારતે પલટવાર કરતા કાંગારૂને 137 રને પરાજય આપ્યો હતો. સિડનીમાં મેચ ડ્રો રહેતા ભારતે સિરીઝ 2-1થી તેના નામે કરી લીધી છે.
ભારતની ટીમે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની આગેવાનીમાં રમી હતી. આ પ્રવાસ પર ભારતને કાંગારૂ ટીમે 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 4-0થી પરાજય આપ્યો હતો. ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. 1947ના પ્રવાસ સહિત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં કુલ 11 ટેસ્ટ સિરીઝ રમી ચુકી છે. જેમાં 8 સિરીઝમાં કાંગારૂ ટીમે વિજય મેળવ્યો છે. પરંતુ ભારત 1980-81, 1985-86, 2003-04માં 3 સિરીઝ ડ્રો કરાવવામાં સફળ રહ્યું છે. ત્યારે 2018/19મા વિરાટની આગેવાનીમાં ભારત સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે.
તો અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના કુલ 13 કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુક્યા છે, પરંતુ તે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ થયા નથી. ભારતે 1980-81માં સુનીલ ગાવસ્કર, 1985-86માં કપિલ દેવ અને 2003-04માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં કુલ 3 ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવવાની સિદ્ધિ હાસિલ કરી છે. વિરાટ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે.
1. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન લાલા અમરનાથ)- 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1947-1948 - ઓસ્ટ્રેલિયા 4-1થી જીત્યું
2. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન ચંદૂ બોર્ડે/ મંસૂર અલી ખાન પટૌદી) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 1967- 1968 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું
3. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન બિશન સિંહ બેદી) - 5 મેચોની ટેસ્ટ શ્રેણી 1977-1978 - ઓસ્ટ્રેલિયા 3-2થી જીત્યું
4. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સુનીલ ગાવસ્કર) - 3 મેચોની ટેસ્ટ શ્રેણી 1980-1981 - સિરીઝ 1-1થી ડ્રો
5. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન કપિલ દેવ) - 3 મેચોની ટેસ્ટ સિરીઝ 1985-1986 - સિરીઝ 0-0થી ડ્રો
6. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન) - 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1991-1992 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું
7. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સચિન તેંડુલકર) - 3 મેચોની ટેસ્ટ સિરીઝ 1999-2000 - ઓસ્ટ્રેલિયા 3-0થી જીત્યું
8. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સૌરવ ગાંગુલી) - 4 મેચોની ટેસ્ટ શ્રેણી 2003-2004 -સિરીઝ 1-1થી ડ્રો
9. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન અનિલ કુંબલે) - 4 મેચોની ટેસ્ટ શ્રેણી 2007-2008 - ઓસ્ટ્રેલિયા 2-1થી જીત્યું
10. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન એમએસ ધોની) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2011-2012 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું
11. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન એમએસ ધોની/ વિરાટ કોહલી) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2014-2015 - ઓસ્ટ્રેલિયા 2-0થી જીત્યું
12. 2018/19 (કેપ્ટન વિરાટ કોહલી), 4 મેચની સિરીઝમાં ભારતનો 2-1થી વિજય
1. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 30 ડિસેમ્બર 1977 - 4 જાન્યુઆરી 1978 - મેલબોર્ન - ભારત 222 રનથી જીત્યું
2. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 7 જાન્યુઆરી 1978 - 12 જાન્યુઆરી 1978 - સિડની - ભારત ઈનિંગ અને 2 રનથી
3. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 7 ફેબ્રુઆરી 1981 - 11 ફેબ્રુઆરી 1981 - મેલબોર્ન - ભારત 59 રનથી જીત્યું
4. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 12 ડિસેમ્બર 2003 - 16 ડિસેમ્બર 2003 - એડિલેડ - ભારત 4 વિકેટથી જીત્યું
5. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 16 જાન્યુઆરી 2008 - 19 જાન્યુઆરી 2008 - પર્થ - ભારત 72 રનથી જીત્યું
6. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 6 ડિસેમ્બર 2018 - 10 ડિસેમ્બર 2018- એડિલેડ - ભારત 31 રને જીત્યું
7. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 26 થી 30 ડિસેમ્બર - મેલબોર્ન - ભારત 137 રનથી જીત્યું.