આગામી 24 કલાક ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે, પાટણ-બનાસકાંઠા-અંજાર સહિત 48 તાલુકાનો પડ્યો વારો!
કાલથી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. તો આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ઉનાળાની એન્ટ્રી સાથે જ આજે ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો...સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતને કમોસમી વરસાદે ઘમરોળ્યું. રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો.
તો ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માવઠાથી રવિ પાક પર માઠી અસર થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે...અંબાજી મંદિર પરિસર વરસાદથી ભીંજાયું. અચાનક વરસાદ વરસતા યાત્રિકો વરસાદમાં પલળી ગયા. કચ્છના અંજારમાં બે કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યું...ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.
તો બનાસકાંઠાના વડગામના મેપડા ગામે વીજળી પડતા યુવકનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 30 વર્ષીય યુવક મોંઘાજી ઠાકોર ખેતરમાં કામ કરતો હતો તે દરમિયાન વીજળી પડી. તો રાજકોટમા માવઠાને લીધે વાહનચાલકો સ્લીપ થઈ ગયા. બહુમાળી ભવન ચોકનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. રોડ પર એક સાથે ત્રણ વાહનચાલક સ્લીપ થયા. લગ્ન પ્રસંગમાં પણ વરસાદ વિધ્ન બન્યો છે. દ્વારકા જિલ્લાના મોટી ખોખરી ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદથી લગ્ન મંડપ ધરાશાયી થયો. તો રાજકોટના મવડી વિસ્તારમાં મંડપ પલળી ગયો. પાળ રોડ પર વરસાદથી લગ્નપ્રસંગમાં પાણી ભરાયું. રાજકોટના કાલાવડ રોડ પર મંડપ ધરાશાયી થયાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અંબાજીમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવી રીતે વરસાદ વરસ્યો...વરસાદના આ દ્રશ્યો જોતા તમને ખરેખર એવું લાગશે કે શિયાળા પછી તરતજ ચોમાસું આવી ગયું અને ઉનાળો પૂરો થઈ ગયો. અંબાજીમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો. અંબાજી વિવિધ વિસ્તારો સહિત હાઈવે માર્ગ પર પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો...નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અંબાજીના રસ્તા પાણીથી ધોવાઈ ગયા છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે.
માવઠાથી પાટણ જિલ્લાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે...પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાનો માર પડ્યો. વરિયાળી, જીરુ, સુવા અને ઘઉંના પાકમાં નુકસાન થયું છે. વરસાદના લીધે ઘઉંના પાકમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. વરિયાળીમાં ચર્મી તો સુવામાં છશિયાનો રોગ આવી શકે છે. તો જીરુના પાકમાં ખેડૂતોને 70થી 80 ટકા નુકસાન થયું છે...જીરુ કાળુ પડી જતાં હવે ખેડૂતોને જીરુના પૂરતા ભાવ નહીં મળે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. જીરુ, રાયડો, રાજગરો અને બટાકાના પાકને નુકસાન થયું છે. જીરાનો પાક ખરી પડતા ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ગઢ ગામના ખેડૂત મુકેશભાઈ ખસેટિયા નામના ખેડૂતે પોતાના 5 વિઘા જમીનમાં જીરાનું વાવેતર કરવા માટે 70-80 હજારનો ખર્ચ કર્યો હતો. જીરાનો પાક તૈયાર થતા તેમને ત્રણથી ચાર લાખની ઉપજ થાય તેમ હતું. પરંતુ માવઠાથી જીરાના પાકને નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ ગઢ ગામના ખેડૂત હરિભાઈ ભૂટકાએ પોતાના ખેતરમાં મોંઘુ બિયારણ- ખાતર લાવી રાજગરાનું વાવેતર કાર્યુ હતું. ચાર મહિનાની મહેનત પછી રાજગરાનો પાક તૈયાર થતા ખેતરમાં વાઢીને ખેતરમાં મુક્યો હતો. ત્યારે અચાનક માવઠું પડતા તમામ રાજગરાનો પાક પલળો ગયો અને દાણા જરી પડ્યા છે.
ભાવનગરના ખેડૂતોને ફરી એક માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો છે. પાકને નુકસાન થતાં ઘોઘા તાલુકાના બાડી, પડવા અને મોરચંદ સહિતના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. માવઠાને લીધે ઘઉં, ચણા અને જીરુ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આંબામાં હાલ મોર આવવાની સિઝન છે એવા સંજોગોમાં માવઠાથી મોર ખરી પડ્યા છે. ત્યારે હવે ખેડૂતોની માગ છે કે સરકાર અમને સહાય આપે.
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓ ચિંતા વધારી છે. રાધનપુર, સાંતલુપર અને સમી સહિતના તાલુકામાં માવઠું થયું છે. આ માવઠાના લીધે રાધનપુર APMCમાં પડેલી જણસી પલળી ગઈ છે...છેલ્લા ઘણા દિવસથી પાકની સારી આવક હોવાથી પાક બહાર ઉતાર્યો હતો...જો કે અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું અને જણસી પલળી ગઈ. વેપારીઓના માલને ખૂબ મોટું નુકસાન થયું છે. એરંડા, ચણા અને રાયડો પલળી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.