ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ

Sun, 16 Jun 2024-5:24 pm,

ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં છેલ્લે મળતા સમાચાર મુજબ ખંભાળિયા પંથકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાણવડમાં 2.5 ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા છે. 

ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જ્યારે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા.

આગાહી દરમિયાન પોરબંદરમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.

બીજી બાજુ રાજ્યમાં આજે કુલ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો હતો. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાણાવડમાં સવા 2 ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ, માંગરોળ, ભચાઉ, વલસાડ, માણાવદર, જામજોધપુર, કામરેજમાં પણ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ  વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link