ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; આ વિસ્તારોમાં આજે આભ ફાટ્યું!

Sat, 22 Jul 2023-11:48 am,

મેઘરાજા હજુ ત્રણ દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે. મોન્સૂન ટ્રફના લીધે હાલ ગુજરાતમાં વરસાદ રહેશે. ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં આવતીકાલે રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં કાલે ભારે વરસાદ રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા વરસાદ વરસ્યો છે.  

દ્વારકા જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા...ખંભાળિયા પંથકમાં મેઘરાજાની તોફાની ઈનિંગથી રસ્તા પાણીમાં ગરકાવ થયા...શેરીમાંથી જાણે નદી વહેતી હોય તેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો...રામનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા...રસ્તા પર પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી...વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસતા ઈસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા...જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક જળાશયો ઓવરફ્લો થયા....ખંભાળિયાના સલાયા બંદરના તમામ રોડ પર પાણી-પાણી થયા..સ્થાનિક તળાવ છલકાતા પાણી રોડ પર આવી ગયું...જેથી સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવી પડી...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો કલ્યાણપુરની પણ આજ સ્થિતિ છે. ભારે વરસાદને પગલે પાણીના વહેણમાં ચાર બળદ ફસાઇ ગયા હતા, જેમનું પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યૂ કર્યું હતું.

પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા...પોરબંદરના રાણાવાવમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા...સોસાયટીની બહાર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા...ભાદર નદીના પાણી ઘૂસતા પોરબંદર જળબંબાકાર થયું....મફતિયાપરા, કડિયા પ્લોટ, મીલપરા, ઝુંડાળા અને કુંભારવાડા સહિતના વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા લાકોને ભારે હાલાકી ભોગવવી પડી...ભારે વરસાદથી પોરબંદરનો ઘેડ પંથક જળબંબાકાર થયો...ભારે વરસાદથી ખાડીમાં આવેલ મંદિર જળમગ્ન થયું...યાર્ડથી કડિયા પ્લોટને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો..

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો...વિસાવદરમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળ્યું...ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો...અનરાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો...કેડસમા પાણીમાંથી દર્દીને હોસ્પિટલ લઈ જવા લોકો મજબૂર બન્યા...તંત્રની મદદ ના પહોંચતા લોકો જીવના જોખમે ખાટલા પર બેસાડી પાણીમાંથી દર્દીને હોસ્પિટલ લઈ જવાયો...ભારે વરસાદથી માંગરોળના દિવાસા ગામે સાઈક્લોન સેન્ટર જળમગ્ન થયું...પૂરની સ્થિતિમાં લોકોને સલામત સ્થળે રાખવા માટે સાઈક્લોન સેન્ટર ઊભું કરવામાં આવે છે..પરંતુ સાઈક્લોન સેન્ટર જ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.

22, 23 અને 24 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે...તો મધ્યગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે...આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે...વડોદરા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે...દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ગોધરામાં પણ ભારે વરસાદની આગાહી છે...કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ રહેશે...

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોય આજે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ અને ધરમપુરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્તાઓ બંધ થયા છે. કપરાડામાં ધોધમાર વરસાદના કારણે તિથલ-નાસિક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. જેમાં દ્વારકા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, પોરબંદર, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જામનગર પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી અને ભાવનગરમાં યેલો એલર્ટ અપાયું છે.તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link