કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતા પણ વધુ છે રાજકોટની જેલની આવક, કેદીઓ પણ કમાય છે એન્જિનિયર જેટલા રૂપિયા!

Fri, 22 Dec 2023-12:31 pm,

જેલ એટલે સજાનું કેન્દ્ર.. ફિલ્મમાં જે રીતે જેલનું વર્ણન કરવામાં આવે છે તે જોઈને જેલને લઈને લોકોના મનમાં તેની અલગ અલગ માનસિકતા હોય છે પરંતુ વાસ્તવમાં જેલ એટલે એક સુધાર કેન્દ્ર છે કે જ્યાં આરોપી દ્વારા જે કોઈપણ ગુનો આચરવામાં આવ્યો હોય તે ગુના બદલ તેને સજાના ભાગરૂપે સુધારવાનું કામ જેલમાં થતું હોય છે ત્યારે જેલમાં પણ લાખો કરોડો રૂપિયાની આવક કેવી રીતે થઈ શકે છે જાણો અમારા વિશેષ અહેવાલમાં.

રાજકોટની મધ્યસ્થ જેલમાં ચોરીથી લઈને હત્યા,આતંકી પ્રવૃત્તિ સહિતના ખૂંખાર ગુનાને અંજામ આપનાર આરોપીઓ અહીંયા સજા કાપી રહ્યા છે. જેલમાં પણ કેદીઓ રોજગારી મેળવતા હોય છે. જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોય છે. બહાર નાના મોટા ગુનાને અંજામ આપનાર આ કેદીઓ ફર્નિચર, વણાટ, કાપડ, ફરસાણ કામ અને લસણ ફોલી રોજગારી મેળવી રહ્યું છે. આ બધા જ દ્રશ્ય રાજકોટ મધ્યસ્થ જેલની અંદર આવેલા ઉદ્યોગ વિભાગના છે.

હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. સામાન્ય લોકો અડદિયા પોતપોતાના ઘરમાં બનાવીને અથવા તો વેચાતા લઈને તેનો સ્વાદ માણતા હોય છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રાજકોટ જેલના અડદિયા પ્રખ્યાત છે. ત્યારે આ જેલમાં હત્યાના આરોપી અહીંયા અડદિયા બનાવી રહ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં હાલ આશરે 2200 જેટલા કેદીઓ બંધ છે જોકે આ કેદીઓમાં 262 કેદીઓ એવા છે કે જે જેલમાં રહીને પણ રોજગારી મેળવી રહ્યા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પણ કેદીઓના વેતનમાં 60 ટકા જેટલો વધારો કરાયો છે આ વધારો આશરે 6 વર્ષ બાદ કરવામાં આવ્યો છે.  

જેલમાં થતી વિવિધ ઔદ્યોગિક કામગીરી અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા વર્ષ દરમિયાન 1,29,14,898.25 રૂપિયાનો વેપાર કરવામાં આવ્યો છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં ઉદ્યોગ વિભાગ છે જેમાં સુથાર વિભાગ કે જેમાં વિવિધ ફર્નિચર બનાવવામાં આવે છે જ્યાં શેટી,ટેબલ,ખુરશી,કબાટ અને વિવિધ શો પીસ ડેકોરેટિવ ફર્નિચરની આઈટમ કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે આ ઉપરાંત જેલની અંદર ખાસ વણાટ વિભાગ પણ છે જેમાં અલગ અલગ દોરાઓની મદદથી કાપડ તૈયાર કરવામાં આવતું હોય છે. 

તેમજ જેલમાં ખાણીપીણીની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે જેમાં અડદિયા તેમજ વિવિધ ફરસાણ બનાવવામાં આવતું હોય છે. જેલમાં તૈયાર થયેલી વસ્તુઓ રાજકોટ મધ્યસ્થ જેલ બહાર તેમની ખાસ શોપ પર વેચવામાં આવે છે આ ઉપરાંત સરકારના નિયમ મુજબ અલગ અલગ જગ્યાએ પણ મોકલવામાં આવતી હોય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link