રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું; 10 ઈંચ વરસાદથી હાહાકાર, લોકોનાં ઘરોમાં, દુકાનોમાં અને વાહનોમાં પાણી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ધોરાજી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યાં જ શહેરના મુખ્ય રસ્તાઓ પાણી-પાણી થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદને પગલે ધોરાજીમાં આવેલી સફુરા નદી બે કાંઠે વહેતી થઇ છે તો ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો પાણી ગરકાવ થઇ ગયા હતા. ધોરાજીમાં અવિરત સાડા નવ ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
બીજી તરફ ગીર સોમનાથમાં મેઘરાજા અનરાધાર વરસતા આફત આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુત્રાપાડામાં 9 ઈંચ, કોડીનારમાં 7.5 ઈંચ, વેરાવળ 4.5 ઈંચ, તાલાલા 4 ઈંચ, ગીર ગઢડા 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બપોરે 12:00 વાગ્યા થી 06:00 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં સાડા નવ ઇંચ (237 mm) વરસાદ વરસ્યો છે અને હાલ પણ વરસાદ ચાલુ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત બે કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ સ્ટેશન, રોડ મેઈન બજાર શાકમાર્કેટ રોડના રસ્તાઓ પાણીથી ભરાઇ ગયા છે. ભારે વરસાદને લઈ વાહનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અહીં રોડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બીજી તરફ જસદણના કડુકા ગામે વીજળી પડતા 25 વર્ષ પાયલ સંજયભાઈ બેરાણી નામની મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલા ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન વીજળી પડતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું છે.
ગીર સોમનાથમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ ખાબકતાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો કોડીનારમાં સવાપાંચ ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયાં છે અને રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તો તાલાલા પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસતાં આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહેતી જોવા મળી રહી છે. જ્યારે અમરેલી જિલ્લામાં મેઘરાજા દરરોજ ધબધબાટી બોલાવે છે. ત્યારે આજે પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે.