રાજકોટ હોસ્પિટલની આગમાં 3 દર્દીઓને બેડ પર જ દર્દનાક મોત મળ્યું
મૃત્યુ પામનાર દર્દીના નામ મુજબ છે. રામસિંહ ભાઈ, નિતિનભાઇ બાદાણી, રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ અને કેશુભાઈ અકબરી
આગ લાગ્યા બાદનો નજારો ભયાવહ બની ગયો હતો. આઈસીયુ વોર્ડ આખેઆખો બળીને ખાખ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોવાથી સ્થાનિક લોકો પણ આગના બનાવ બાદ ગભરાઈ ગયા હતા. 12.20 વાગ્યે આગ લાગી હતી. જેના બાદ દોઢ વાગ્યા સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલુ રહી હતી. જેમાં 6 દર્દીઓને જ બચાવી શકાયા હતા.
આગમાં મૃત્યુ પામેલા 5 માંથી 3 દર્દીઓને દર્દનાક મોત મળ્યું છે. આ ત્રણ દર્દીઓ હોસ્પિટલના બેડ પર જ ભડથુ થયા હતા. તેમના મૃતદેહો પણ આગમાં ન જોવાય તેવી સ્થિતિ હતી. સફોકેશનને કારણે હલનચલન કરી શક્યા ન હતા.
મોડી રાત્રે 12.20 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આગ લાગવાનો કોલ આવ્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ DCP અને ACP કક્ષાના અધિકારી તેમજ માલવીયા નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગોકુલ હોસ્પિટલના તબીબો દ્વારા શિવાનંદ કોવિડ કેરનું સંચાલન કરવામા આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે કુલ 33 દર્દી સારવાર હેઠળ હતા, જે પૈકી 5 દર્દીના મૃત્યુ થયા છે.
આ મામલે મ્યુનિસિપિલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું કે, સમગ્ર ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે. હોસ્પિટલે એનઓસી લીધેલી છે. એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે.
ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટરા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.