PM મોદીને ત્રણ-ત્રણ પ્લેનની ભેટ અપાશે, જસદણના કારીગરોની મહેનત રંગ લાવી
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવનાર છે. ત્યારે રાજકોટમાં આવતા પ્રધાનમંત્રીને ત્રણ-ત્રણ પ્લેનની ભેંટ આપવામાં આવનાર છે. જેમાંરાજકોટ ઇમિટેશન એસોસિએશન દ્વારા હીરા જડિત કાર્ગો તેમજ પેસેન્જર પ્લેન તેમજ જસદણનાં કારીગરો દ્વારા પણ વડાપ્રધાનને અદ્ભૂત શણગાર કરેલું પ્લેન અર્પણ કરવામાં આવનાર છે. આ ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરોએ એકાદ સપ્તાહ કરતા વધુ સમય મહેનત કરી હતી.
જસદણ પંથકના કારીગરોએ બનાવેલું પ્લેન વજનમાં ખૂબ હળવું અને સાઈઝમાં મોટું છે. જસદણની પ્રખ્યાત અટારીની કારીગરી આ વિમાનમાં કરવામાં આવી છે. જેના ઉપર ખૂબ સુંદર રીતે મઢવામાં આવ્યું છે. તેમાં ઓટોમોબાઇલ ઉદ્યોગને દર્શાવવા માટે તેના પૈડાં બેરિંગનાં બનાવવામાં આવ્યા છે. આ પ્લેનનું વજન માત્ર 4 કિલો આસપાસ છે. આ વિમાન બનાવવા માટે 8 લોકોએ 500 કલાક મહેનત કરી છે. વિમાનને પોલીશ કરવામાં 8 લોકોએ 4 કલાક જેટલી મહેનત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઇમિટેશન એસોસિએશનનાં કારોબારી મેમ્બર દેવરાજ ગઢીયાએ જણાવ્યું હતું કે, ઇમિટેશનનાં ઉદ્યોગકારો દ્વારા એક કાર્ગો અને એક પેસેન્જર એમ કુલ બે વિમાન તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર જુદા-જુદા પ્રકારના ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. અને તેને સરસ રીતે મઢી દેવામાં આવ્યા છે.
આ બંને પ્લેનમાં તમામ કામ હેન્ડ વર્ક દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ ડાયમંડ અને ચિપ્સ લગાવમાં આવી છે. અને ખૂબ અદ્યતન રીતે બંને પ્લેન તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે 10-12 કારીગરોએ રાતદિવસ મહેનત કરી હતી. વડાપ્રધાન એરપોર્ટની ભેંટ આપવા આવતા હોવાથી તેમને પ્લેન આપવાનો વિચાર આવ્યો હતો