અરે....આ ફટાકડા નથી!! તો આ ફટાકડા આકારનું રાજકોટમાં શું વેચાઈ રહ્યું છે? જાણો
રાજકોટની મહિલાએ બનાવી અનોખી ચોકલેટ. સૂતળી-બોમ્બ,શંભૂ,ભો-ચકરી,રોકેટ સહિતના ફટાકડા આકારની અવનવી ચોકલેટ બનાવી. ફટાકડા આકારની આ ચોકલેટ હાલ બજારમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ફટાકડા અને ચોકલેટ બાળકોના પ્રિય હોય છે તેથી ફટાકડા આકારની ચોકલેટ બનાવી છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ ખાસ ચોકલેટમાં વિટામિન પાવડર પણ નાંખવામાં આવે છે. ૬૦૦ થી લઈ ૧૫૦૦ રૂપિયા કિલોએ ચોકલેટ વેચાઈ રહી છે. કોર્પોરેટ ઓફિસમાં ફટાકડા આકારની ચોકલેટ આપવાનું ચલણ ખૂબ જ વધ્યું છે.
રંગીલા રાજકોટના લોકો સ્વાદના ખૂબ જ શોખીન હોય છે અને તેમને કાંઈક નવું જ જોતું હોય છે. એક તરફ દિવાળી નજીક આવી રહી છે. ત્યારે બાળકોને મુખ્ય ફેવરીટ બે જ વસ્તુ હોય છે એક તો ફટાકડા અને બીજી ચોકલેટ...જેથી રાજકોટની એક મહિલા વેપારીએ સુતળી-બોમ્બ, શંભુ,ભો-ચકરી, રોકેટ સહિતના ફટાકડા આકારની ચોકલેટ તૈયાર કરી છે. આ ફટાકડા આકારની ચોકલેટ હાલ બજારમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે...
ફટાકડા આકારની જે ચોકલેટ તૈયાર કરવામાં આવી છે તે કુલ અલગ અલગ છ ફ્લેવરમાં તૈયાર કરવામાં આવી છે આ ચોકલેટ ૬૦૦થી લઈ 1500 રૂપિયા કિલોએ વહેંચવામાં આવી રહી છે આ ચોકલેટની ખાસ વિશેષતા એ છે કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ ખાસ ચોકલેટમાં વિટામીન પાવડર પણ નાખવામાં આવે છે. તેમજ અન્ય ચોકલેટની સરખામણીએ આ ચોકલેટમાં સુગરનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રાખવામાં આવતું હોય છે..
દિવાળીના પર્વને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે અને દિવાળીના બીજે દિવસે લોકો નવા વર્ષની શુભેચ્છા પોતાના સગા સંબંધી તેમજ સ્નેહીજનોને મીઠાઈ અથવા ચોકલેટ ખવડાવી મો મીઠું કરાવીને આપતા હોય છે. તો કેટલીય જગ્યાએ મીઠાઈ અથવા ચોકલેટના પેકિંગની ભેટ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે આ અનોખી ફટાકડા આકારની ચોકલેટ જે રાજકોટની બજારમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને કેટલી ઓફિસ અને કોર્પોરેટ કંપનીમાં આ ફટાકડા આકારની ચોકલેટ કર્મચારીઓને ગિફ્ટ રૂપે ભેટમાં પણ આપવામાં આવી રહી છે..