નવરાત્રિ બાદ ફેંકી દેવાતા ગરબામાંથી વિદ્યાર્થીઓએ બનાવી એવી વસ્તુ કે સ્વપ્નેય વિચાર ન આવે...
વેસ્ટમાંથી બેસ્ટ કરવું એ એક કળા છે. જો આ કળાનો યોગ્ય ઉપયોગ કરવામાં લોકોને એક સાથે અનેક ફાયદાઓ થતા હોય છે. આ જ વાતને સાર્થક કરી છે રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ. હાલમાં જ નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયો છે. નવરાત્રિના આ તહેવારમાં માતાજીની આરાધના કરવા માટે લોકોએ પોતાના ઘરે ગરબાની સ્થાપના કરી હતી. આ તહેવાર પૂર્ણ થતા જ આ ગરબાનું વિસર્જન કરાયુ હતું. નવરાત્રિ બાદ નકામા બનેલા આ ગરબામાંથી વિદ્યાર્થીઓએ ચકલીઓને આશ્રય આપ્યો છે.
દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી આશરે 30 હજાર જેટલા ગરબાઓ એકત્ર કરાયા હતા. આ ગરબાઓને કોલેજ પર લાવી તેમાં મશીનોની મદદથી કાણું પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ગરબા પર વિવિધ પ્રોસેસ કરીને તેને ચકલીના માળાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના ભાગરૂપે આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ મેળવ્યું હતું.
પુસ્તકીયા જ્ઞાન સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેવી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને પ્રયાવરણને એક નવી ભેટ મળે એવા હેતુથી કોલેજના સંચાલકો દ્વારા આ ખાસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ અંતર્ગત 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગરબામાંથી ચકલીઓના માળાઓ બનાવવામાં આવ્યા હતા.
24 કલાકમાં 10 હજારથી વધુ માળા બનાવાયા હતા. આ પ્રસંગે લિમ્કા બૂકના પ્રતિનિધિઓએ પણ મુલાકાત લીધી હતી. સંચાલકોને આશા છે કે આ પ્રોજેક્ટને લિમ્કાબુકમાં સ્થાન મળે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ માળાઓનું શહેરીજનોમાં વિના મૂલ્યે વિતરણ કરાશે તેવું લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજના ડો.ભરણ રામાણીએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા ચકલીઓ માટે બહુ કામના બની રહેશે. આવી જ રીતે જો દરેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે તો પૃથ્વીને ખરા અર્થમાં સવર્ગનું સ્વરૂપ આપી શકાય