ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા
ભાજપને પરસોત્તમ રૂપાલાનો વિરોધ ભારે પડી રહ્યો છે. હવે વડોદરા પાસે પાદરામાં ક્ષત્રિયો દ્વારા વિરોધ દર્શાવાયો. અહીં ઉમેદવાર જશુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરાયો હતો. ક્ષત્રિય સમાજના લોકોએ જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા.
ક્ષત્રિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કાળા વાવતા ફરકાવીને ભાજપના ઉમેદવારને ગામમાં પ્રવેશ ન કરવા દીધો. ત્યારે આ ઘટનાથી પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા લોકોને મનાવવાનો પ્રયાસ પણ કરાયો હતો.
રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. જેને કારણે હવે એવી ચર્ચા ઉઠી છે કે, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રણનીતિ બદલી છે. પસોત્તમ રૂપાલા રાજકોટમાં છેલ્લાં 5 દિવસથી જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપી રહ્યા છે. પરંતું તેઓ ગામડે જવાનું ટાળી રહ્યાનો ગણગણાટ અંદરખાને શરૂ થયો છે.