અમદાવાદના રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓનો આક્રોશ, સરકારને કહ્યું-we want justice....
એમ.પી. આર્ટસ એન્ડ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મહિલા સ્ટાફે રસ્તા પર ઉતરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. લગભગ 250થી વધુ વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાઈ હતી. જેઓએ પોસ્ટર્સ તથા નારા લગાવતા એક જ વાત કહી હતી કે, ‘we want justice....’
રેલીમાં જોડાયેલી યુવતીઓએ કહ્યું હતું કે, દુષ્કમની પીડિતાને ન્યાય અપાવવા માટે બળાત્કારીને ફાંસી આપવી જરૂરી છે. આ રેલીમાં એક તરફ જુસ્સો જોવા મળ્યો હતો, તો બીજી તરફ દેશમાં બની રહેલી ઘટનાઓ સામે ક્યાંક તેઓની આંખોમાં આક્રોશ પણ હતો. રેલી દ્વારા તેમણે પોતે સલામત નથી તેવું પણ ગુજરાત સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એમ.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કોલેજ છે. જે મહિપત આશ્રમ દ્વારા સંચાલિત છે. કોલેજના પ્રિન્સીપાલ ડો.ભારતી દવેના માર્ગદર્શન હેઠળ આ રેલી આજે અમદાવાદના રસ્તાઓ પર નીકળી હતી, અને અમદાવાદી મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. શહેરના રાયપુર દરવાજા, સારંગપુર, કાલુપુર થઈ રેલી પરત કોલેજ ફરી હતી.