Rishi Sunak: પત્ની સાથે અક્ષરધામ પહોંચ્યા બ્રિટનના પ્રધાનમંત્રી, ઋષિ સુનક ઘણીવાર કહી ચૂક્યા છે મને હિન્દૂ હોવાનો ગર્વ
દિલ્લી અક્ષરધામ મંદિરે દર્શન કર્યા બાદ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જણાવ્યુંકે, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને મને અને મારી પત્નીને ખુબ જ આંનદ થયો. ભવ્ય મંદિર અને તેમાં રહેલો શાંતિનો ભાવ અમારા મનને સ્પર્શી ગયો છે.
ઋષિ સુનકે જણાવ્યુંકે, આ મંદિર માત્ર એક પૂજાનું સ્થળ નથી પરંતુ હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, ભારતના સીમાચિન્હરૂપ મૂલ્યો તેમજ સ્થાપત્ય કલાનું બેનમૂન ઉદાહરણ છે.
ઋષિ સુનકે જણાવ્યુંકે, આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ પાઠવ્યા હતા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ગૌરવ અનુભવું છું, અને હું આશા રાખું છું કે પરમ પૂજ્ય ખૂબ જ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલેમાં બીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
ઋષિ સુનકે જણાવ્યુંકે, 100 એકરમાં ફેલાયેલું આ આક્ષરધામ સ્વામિનારાયણ મંદિર સંકુલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે, જે ભારતની પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્યનું સીમા ચિન્હ છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ સંયુક્ત રાષ્ટ્ર સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય સમુદાય આધારિત હિંદુ ફેલોશિપ છે, જે તેના 10 લાખથી વધુ સભ્યો, 80,000 સ્વયંસેવકો અને 5,025 કેન્દ્રો દ્વારા વ્યક્તિઓ, પરિવારો અને સમાજોની સંભાળ રાખે છે.
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પોતાની પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્લી અક્ષરધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતાં. તે સમયે વરસાદી માહોલ હતો. જોકે, તેમ છતાં સુનકે ઝરમર વરસાદમાં પોતાના પત્ની માટે છત્રી પકડીને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. સુનક અંદાજે એક કલાક જેટલો સમય મંદિર પરિસરમાં રોકાયા હતાં.