મહિલાઓએ પુરુષોને ચેલેન્જ ફેંકી, રૂઢિચુસ્ત પરંપરામાંથી બહાર નીકળીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય

Tue, 30 Mar 2021-1:11 pm,

તબીબ ડો.મિતાલી વસાવડાએ જણાવ્યું કે, રિવાબાએ જસ્ટીફિકેશન આપવાની જરૂર નથી. અનેક તબીબો પાસે લોકો દીકરીને જોઈને ગર્ભપાત કરાવવા આવતા હોય છે. આ હીન માનસિકતા છે. પુરુષોને આ વાત ચચરી જાય છે કે અમારા હાથમાં ઝાડુ કેમ. પણ સત્ય એ છે કે, દીકરી કરી શકે કે છે તો તમે કેમ નહિ. લોકોએ સમજવુ જોઈએ કે, દીકરાઓ ગમે ત્યાં એકલા જાય ત્યાં લાઈફ સ્કીલ્સ આવડવી જરૂર છે. દરેક જણે આસપાસની સ્વચ્છતા રાખવી જરૂરી છે. રિવાબાએ આ કહ્યું તો આટલો મોટો મુદ્દો અને વિષય કેમ બન્યો. રિવાબાએ જો દીકરીઓના હાથમાં ઝાડુની વાત કરી હોત તો લોકો તેમના વખાણ કરત. આ જ સ્ટેટમેન્ટ કોઈ પુરુષે કરી હોત તો કોઈ વિવાદ થયો ન હોત. તમામ ઊંચા હોદ્દા પર પુરુષો હોય છે, પણ કેટલી જગ્યાઓએ સ્ત્રીઓ છે. કારણ કે, સમાજ પુરુષ પ્રધાન છે. સ્ત્રીઓ ઉપર આવવાનો પ્રયાસ કરે છે તો પુરુષોના મગજમાં આ વાત સેટ જ નથી થતી. તેમને અંદરથી ખબર છે કે, સ્ત્રીઓ બહાર આવશે તો તેમના પર ભારે પડશે. તેથી જ છોકરીઓને ભણવા નથી દેવાતી. આજે છોકરીઓ ટોપ કરી રહી છે, તે ભીતિ પુરુષોને છે. પુરુષો રુઢીચુસ્ત પરંપરાઓમાંથી બહાર આવીને મેદાનમાં આવો તો ખરું યુદ્ધ થાય. 

એડવોકેટ સોનલ જોશીનું કહેવું છે કે, પુરુષે કામ કરવું અને સ્ત્રીઓને મદદ કરવી સામાન્ય વાત છે. મને કિચનમાં છોકરાઓ જોઈએ છે. કામની ઈજારાશાહી દીકરી પાસે જ કેમ છે. પુરુષને સ્ત્રી વગર ચાલતુ નથી. તો પુરુષને બધુ હાથમાં કેમ મળે છે. સ્ત્રીના હાથમાં પણ તલવાર શોભી શકે છે. જરૂરી નથી કે તમે ગમે તે સરનેમમાંથી આવો છો. રિવાબાને જે રીતે ટ્રોલ કરાયા તે ખોટું છે. જે પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે કેમ કામ કરવાથી મોઢું બગાડે છે. હું રિવાબાની સાથે છું. પુરુષના હાથમાં તલવાર પણ શોભશે, અને ઝાડુ પણ શોભશે. સાવરણીની વાત કરાઈ છે, ત્યારે જે સ્ત્રી તમારી સાથે અનેક વર્ષો વિતાવે છે, તેને પુરુષો ભરણપોષણ આપતા પણ ખચકાય છે. જે સ્ત્રીઓ દબાઈ-કચડાઈને જીવન જીવે છે, તેમને બહાર આવવાની જરૂર છે. એ સીતા જ હતી, જેને વનવાસ મળ્યો હતો, તેમ છતાં તેને ખુલાસો કરવો પડ્યો હતો. જે સ્ત્રી તમને જન્મ આપે છે, તેમાં કોઈ પુરુષ પ્રધાન સમાજ છે જ નહિ, આ તો સ્ત્રીપ્રધાન સમાજ છે. મને રસોઈ બનાવતા નથી આવડતી, મેં લગ્ન કર્યાં ત્યારે સૌથી પહેલા એ જ શરત મૂકી હતી કે હું રસોઈ નહિ કરું. સ્ત્રી પાસેથી ઘરની જ સ્ત્રીઓ અને પતિ જે અપેક્ષા રાખે છે તે ખોટી છે. 

ભાજપના મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે આ મુદ્દે કહ્યુ કે, હું કોઈ જાતિમાં માનતી નથી. લાઈફ સ્કીલ્સ શીખવી દરેક માટે જરૂરી છે. આટલો ઉહાપોહ થાય છે તો તેઓ પહેલા સંસ્કૃતિનું વાંચન કરે. પુરાણોમાં ગુરુકૂળમાં પણ રહેતા પુરુષો પણ ઘરકામ કરતા જોવા મળ્યાં છે. આ મુદ્દો ખોટો છે. કોરોનાકાળમાં અમે જોયું કે, અનેક છોકરાઓ લોકડાઉનમાં ખાવામાં માટે ટળવળ્યા છે. યુટ્યુબમાંથી જમવાનુ બનાવતા શીખ્યા. દીકરાઓ આ શીખે તો તે આપણી સંસ્કૃતિ જ છે. 

લેખિકા અર્ચના ચૌહાણે જણાવ્યું કે, આપણે 21મી સદીમાં બહુ બુદ્ધજીવી બની ગયા છે, જેમણે નેતા, પ્રાણી, કલરને ધર્મ સાથે જોડી દીધું. ખાવાનું બંનેએ, પણ રાંધવાનું માત્ર સ્ત્રીએ. સમાજમાં આદર્શ સ્ત્રીનું એક માળખુ છે, તેમાંથી બહાર નીકળો તો તમે ખરાબ છો તેવુ બતાવવામાં આવે છે. જેન્ડરની વાત આપણે છોડી જ દીધી છે. સ્વચ્છતા હોય કે જમવાનું, ઘરમાં કોઈપણ કરે તો શું વાંધો છે. આમાં રાજપૂત કે સમાજની વાત જ ક્યાં આવે છે. આ હ્યુમન બીઈંગની વાત છે, તેથી તેને જેન્ડર સાથે જોડવાની કોઈ જરૂર નથી.   

સુરતના સામાજિક કાર્યકર દીપા ખન્ના શાહે કહે છે કે, મને દુખ થાય છે કે સમાજ સ્ત્રીના ભાવનાને સમજી શક્તો નથી. શબ્દોને પકડીને વિવાદ કેમ થાય છે. સ્ત્રી સમાનતાની વાત કરીએ તો પુરુષ કેમ ઘરકામમાં મદદ નથી કરતો. કલ્ચર પર વિવાદ લઈને બેસ્યા છીએ, પણ આપણે તેમાંથી બહાર નીકળીને કેવી રીતે આગળ વધતુ તેના પર ફોકસ કરવું જોઈએ. રિવાબાના શબ્દોને સમજવાની જરૂર છે. દીકરા દીકરીને સમાન બનાવીશું, તો આગળનો સમાજ સારો બનશે. છોકરીઓના શિક્ષણની વાતને આગળ લાવવી જોઈએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link