Photo: 1 કિલોનો ભાવ 3 લાખ રૂપિયા, ભારતનો તે પાક... જે ખેડૂતોને બનાવી રહ્યો છે માલામાલ
ભારતમાં ખેડૂતોની આવકને લઈ હંમેશા ચર્ચા રહે છે કે તેના માટે શું સારૂ થઈ શકે છે. આ બધા વચ્ચે કેટલાક ખેડૂતો પરંપરાગત ખેતી છોડી મોટી કમાણી કરતા હોય છે. તેમાંથી કેટલાક ખેડૂતો જમ્મુ-કાશ્મીરના છે જે ઘણીવાર માલામાલ થઈ જાય છે. હકીકતમાં જમ્મુ-કાશ્મીરના તે ખેડૂતો જે કેસરની ખેતી કરે છે તેને મોટી કમાણી થઈ રહી છે. તેનું કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી કેસરના ભાવમાં જોરદાર વધારો થયો છે.
કેટલાક સમયથી તો કેસરના એક કિલોનો ભાવ ત્રણ લાખ રૂપિયા છે. આ પાકને ત્યાં લાલ સોનાના નામથી ઉગાડવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં કેસરની ખેતી કરનાર ખેડૂતો ખુબ નુકસાન ઉઠાવી રહ્યાં હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી નફામાં જોરદાર વધારો થયો છે. તેનું મુખ્ય કારણ એવું કહેવાય છે કે લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરના કૃષિ વિભાગે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કાશ્મીર કેસર ટ્રેડિંગ સેન્ટર શરૂ કર્યું હતું.
તેના માધ્યમથી કાશ્મીરના કેસરને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI)ટેગ મળ્યો હતો. ત્યારબાદ કાશ્મીરના કેસરોની કિંમતોએ નવી ઉડાન ભરી હતી. જીઆઈ ટેગિંગનો ફાયદો તે થયો કે ખેડૂતો પોતાના કેસરને આ સેન્ટર પર વેચી દે છે. જીઆઈ ટેગિંગથી ગ્લોબલ બજારોમાં કોઈપણ ઉત્પાદનને ખાસ મહત્વ મળે છે, જે હવે કાશ્મીરી કેસરને મળી રહ્યું છે. અમેરિકા, કેનેડા અને યુરોપિય દેશોમાંથી હવે કાશ્મીરી કેસરની ભારે માંગ આવી રહી છે.
એટલું જ નહીં કાશ્મીરી કેસર વિશ્વમાં એકમાત્ર જીઆઈ ટેગવાળી કેસર છે, જેના દમ પર તેના ઓરિજનલ હોવાનો વિશ્વાસ વૈશ્વિક ખરીદારોને મળી રહ્યું છે. આ કારણને લીધે કેસરના ભાવમાં તેજી જોવા મળી છે. કેસરની ખેતી ઓગસ્ટ મહિનામાં થાય છે અને ઓક્ટોબરના છેલ્લા સપ્તાહ કે નવેમ્બરમાં ફૂલ લાગવાના શરૂ થાય છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં કેસરના ફૂલને જ્યારે તોડવામાં આવે છે, ત્યારબાદ તેને પ્રોસેસિંગના માધ્યમથી ઉપયોગ લાયક બનાવી શકાય છે.
કેસરનો ઉપયોગ વિશ્વભરમાં ખાવાની સાથે પૂજા-પાઠમાં કરવામાં આવે છે. તેથી તેના ભાવ હંમેશા વધારે રહે છે. તેનું ઉત્પાદન પણ ખુબ ઓછું છે અને માંગ વધુ છે. તેથી કેસરની કિંમત વધુ હોય છે. આમ તો કેસરની ખેતી ગમે ત્યાં કરી શકાય છે, પરંતુ તેની ખેતી માટે જે વાતાવરણ અને માટી જોઈએ તે કાશ્મીરના કેટલાક ભાગને છોડી ભારતમાં ક્યાંય જોવા મળતી નથી.
કાશ્મીરના ખાસ વિસ્તારમાં કેસરની ખેતી એટલા માટે થાય છે, કારણ કે આ વિસ્તારમાં એક ખાસ પ્રકારની લાલ માટી જોવા મળે છે, જે કેસર માટે ઉપયોગી છે. અહીંનું હવામાન પણ તે માટે અનુકૂળ હોય છે. કેસરને જમ્મુ-કાશ્મીરમાં લાલ સોનું કહેવામાં આવે છે. પરંતુ કાશ્મીર કેસર માટે પણ સૌથી પ્રસિદ્ધ છે. ભારતના અન્ય કેટલાક ભાગમાં પણ પ્રયોગ તરીકે કેસરની ખેતી કરવામાં આવી રહી છે. જેમ કે ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો આ ખેતી કરે છે. પરંતુ તેને એટલી સફળતા મળી નથી.